બેરાલાલે આવીને બનેવી લાલને પ્રશ્ન કર્યો.
‘‘કઈ વાત બેરાલાલ?’’
‘‘આ આપણો હગો ભાઈ રૂઠે તો એને મનાવાય, (આજકાલ હગો હોય ઈ વ્હાલો નો હોય, અને વ્હાલો હોય ઈ હગો નો હોય . આવું જ હાલે છે.)પડોશી ના બોલે તો સમાધાન કરાય, વેવાઈ આડા હાલે તો બે હાથે ‘ય જોડાય. પણ, આ કુદરત રૂઠે તો હું કરવું??’’
‘‘બેરાલાલ! કુદરત ક્યારેય રૂઠતી જ નથી. ઈ તો આપણાં જ હાથનાં કર્યાં હૈયે વાગે છે.’’
‘‘વરસાદ દેવો એનાં હાથમાં નથી? આ શ્રાવણ આખે આખો કોરો ગયો. એક ટીપું ‘ય નો પડ્યું. આ કુદરત જ રૂઠયો છે. એને કેમ મનાવવો? ’’
‘‘બેરાલાલ! વરસાદ નો આવે એમાં આપણો જ વાંક છે. પણ, આપણે એમાં પડવું નથી.’’
‘‘હા પણ, અમે પડ્યાં છીએ . હવે ઊભાં તો થાવું પડશે ને!! હાલો એમાં નો પડીએ. તો બીજો હારો ધંધો દેખાડો.’’
‘‘ધંધો કરવો છે? ’’
‘‘પેટ ભરવા કાંઈક તો કરવું પડશે ને! અસલી બોટલમાં નકલી ભરીને વેચી તો નય હકાય!! અને ઈ આપણી લેય નય.’’
‘‘પૈસા કેટલાં ‘ક છે? ઈ પરમાણે ધંધો ગોતાય.’’
‘‘”પૈસા હોય તો કોઈ પુછવા ‘ય ઊભાં રે. પૈસા વગરનો ધંધો બતાવો.’’
‘‘નેતા બની જાવ. પૈસા આપોઆપ આવવાં લાગશે.’’
‘‘ઈ તો તમે વધારે અઘરો રસ્તો ચિંધ્યો. ન્યા બોવ મોટી લાઈન લાગી છે. આપણો વારો ક્યારે આવે? અને નોય આવે. ’’
‘‘તો પછી.. રાજકારણી હારે ઓળખાણ ખરી? બેઠ- ઉઠ ખરી??’’
‘‘એટલે તમે મને હાવ એવો હમજો છો? આપણે એની હારે ઓળખાણ ખરી. પણ,હું હાવ એવો નથી.’’
‘‘બેરાલાલ તમે ઊંધું હમજયા. હંધાય રાજકારણી એવાં નો પણ હોય. એમાં ‘ય કોક- કોક હારા ‘ય હોય છે. અને તમે માનો છો ને એવો કેવાનો મારો ઈરાદો ‘ય નહોતો. ’’
‘‘તો પછી તમારો ઈરાદો શું હતો? ઈ કહો.’’
‘‘આજકાલ પૈસા વગરનો ધંધો રાજકારણ છે. અને કારણ વગરનું રાજકારણ ફાવી જાય પછી પૈસા જ પૈસા છે.’’
‘‘તમારી વાત કદાચ હાચી હશે.. પણ, પેલાં તો હંધાયની હામે બે હાથ જોડવા પડે ને!!?’’
‘‘ઈ તો થોડો ‘ક જ ટાઈમ તમારે હાથ જોડવાના. પછી તો હંધાય તમને હાથ જોડશે.’’
‘‘ઈ હંધાય કેમ હાથ જોડે? મને ઈ નો હમજાયુ.’’
‘‘તમને નાનો અમથો દાખલો આપું. તમે ઉતાવળમાં મોટરસાયકલ લઈને નીકળ્યા. આર.ટી.ઓ.નો એકાદો નિયમ તોડ્યો કે અજાણતા જ તૂટ્યો. હવે તમે શું કરશો?’’
‘‘ભૂલ થઈ ગઈ સાહેબ! જાવા દો ને!! ’’(બે હાથ જોડીને)
‘‘ના..આ.. નિયમ એ નિયમ. એક હજાર દંડ થશે.’’
‘‘સાહેબ! (બે હાથ જોડીને) નાનો માણસ છું. કાંઈક વ્યાજબી રાખો ને !!’’
‘‘પહોંચ નહીં આવે.. પાંચસો આપો.’’
‘‘હવે હમજાયું? આ તમારાં જોડેલાં હાથ શેક સુધી ઉપર જશે? અને વારંવાર જતાં જ રહેશે.’’
‘‘ના..ના..ના. આવો અણહકનો પૈસો આપણને નો ખપે. આવો પૈસો આપણે જોતો નથી.’’
‘‘તો પછી એક કામ કરો..!! આજકાલ હંધાય નવી નવી પાર્ટી બનાવે છે. જેમ કે, ‘કોકરોચ જનતા પાર્ટી.. ” ધકેલ પંચા દોઢસો જનતા પાર્ટી…’વિ. તમે ‘ય એક પાર્ટી બનાવી દો.’’
‘‘આપણને કોણ ઓળખે? અને મતે ‘ય કોણ આપે??’’
‘‘તમે હમજયા નહીં..બેરાલાલ!! મત હારું પાર્ટી બનાવવી જ નથી.’’
‘‘તો..ઓ.. શેનાં માટે બનાવવી છે?’’
‘‘ધંધો કરવા!!’’
‘‘ધંધો કરવા? ઈ વળી કેવી રીતે?’’
‘‘તમે પાર્ટી બનાવો એટલે મોટાં લોકો તમને પાર્ટી ફંડ આપે,દાન આપે.’’
‘‘એક મો..ટી પાર્ટી છે. એને છેલ્લા વર્ષમાં લગભગ છ હજાર થી સાત હજાર કરોડનું દાન (પાર્ટી ફંડ) મળ્યું છે. આવી તો ભારત ભરમાં લગભગ ૨૯૨૭ પક્ષો છે. (જેમાં ૬ રાષ્ટ્રીય પક્ષો, ૬૭ રાજ્ય પક્ષો, અને ૨૮૫૪ જેટલાં નાનાં નાનાં પક્ષો નોંધાયેલાં છે.) અને રોજે રોજ રાત્રે સપનાં આવે અને હવાર પડે નવાં નવાં પક્ષો નોંધાઈ રહ્યા છે.’’
‘‘ના..ના..ના. આપણી પાંહે એવાં કાર્યકર્તાઓ નથી, અને આવું કમઠાણ ઊભું કરવા માટે પૈસા પણ નથી.અને પક્ષનું કાર્યાલય ખોલવા માટે જગ્યા ‘ય નથી. બનેવીલાલ! તમે મને આમ ઊંધે રવાડે નો ચડાવો. ’’
‘‘બેરાલાલ..બેરાલાલ..! તમને હું કેમ કરીને હમજાવું? તમારે નવો પક્ષ બનાવવામાં એક રૂપિયાનો ‘ય ખર્ચ કરવાનો નથી. હમણાં હમણાં તમે જોયું નહીં..!? કોકરોચ જનતા પાર્ટીએ વગર પૈસે કેવો ડંકો વગાડી દીધો. ’’
‘‘એ લાં ભાઈ તમને નો દેખાય એવાં એનાં અંદરખાને સપોર્ટર હોય. આપણાં આવાં સપોર્ટર ક્યાં?’’
‘‘તો..ઓ.. તમે નહીં જ માનો એમ..!? તમને એક હાવ નવો દાખલો આપું..’’
‘‘દક્ષિણ દિલ્હીમાં, વિશ્વકર્મા કોલોનીમાં એક રાષ્ટ્રીય વિકાસ પાર્ટી. નોંધાયેલી છે. એને વર્ષ ૨૦૧૯ થી ૨૪ સુધીમાં ૨૦૭ કરોડનું દાન મળ્યું છે.
હવે ચૂંટણી પંચને યાદ આવી ગયું તો એ પાર્ટીની ઓફિસે ખબર અંતર પૂછવા ગયું. તો..ઓ..એની ય ચાર આંખો થઈ ગઈ. આવી કોઈ પાર્ટી અહીં ક્યારેય પણ હતી જ નહીં. અહીં તો વરસોથી ડાન્સ એકેડમી ચાલે છે. હવે તમે જ કહો, તમારે નવી પાર્ટી બનાવવાની જરૂર છે કે નહીં!??’’
‘‘મુદ્દો તો વિચારવા જેવો છે. પણ, હવે તો ડાન્સ કરવાનો વારો ચૂંટણી પંચને આવ્યો ને..!!?’’











































