અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના શાપર ગામમાં વીજ પુરવઠામાં સર્જાતી ગંભીર ક્ષતિઓને લઈને ગ્રામ પંચાયત દ્વારા PGVCL વિસાવદર કચેરીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.રજૂઆત અનુસાર, ગામમાં બપોરના ૧૨ઃ૦૦ થી ૪ઃ૦૦ વાગ્યા દરમિયાન વીજ પુરવઠો ૩૦૦ થી ૩૨૦ વોલ્ટ સુધી વધી જાય છે, જેના કારણે રહેવાસીઓના ઘરગથ્થુ વીજ
ઉપકરણો બળી જવાની અને ભારે આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત, ટ્રાન્સફોર્મર સાથે જોડાયેલી સોલાર સિસ્ટમ ધરાવતા ગ્રાહકોનો સોલાર પાવર બપોરના સમયે આપોઆપ ‘કટ ઓફ’ થઈ જાય છે, જેથી તેમને પણ આર્થિક ફટકો પડી રહ્યો છે. શાપર ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનોએ PGVCL તંત્ર પાસે માંગ કરી છે કે સંબંધિત ટ્રાન્સફોર્મરમાં તાત્કાલિક જરૂરી સુધારા કરી વોલ્ટેજ નિયંત્રિત કરવામાં આવે, જેથી વીજ વપરાશકર્તાઓ અને સોલાર ગ્રાહકોને નુકસાનમાંથી ઉગારી શકાય.