ચોમાસાની ઋતુ વચ્ચે અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગોએ ચિંતા વધારી છે. ખાસ કરીને ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર વધારો થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના ૨૬૪ કેસ નોંધાયા છે, જ્યારે અગાઉના મહિને આ સંખ્યા ૬૮ હતી.અમદાવાદમાં ડેન્ગ્યુના કેસમાં માત્ર એક મહિનામાં મોટો ઉછાળો નોંધાયો છે. ઓગસ્ટમાં ૨૬૪ કેસ સામે જુલાઈમાં ૬૮ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત મેલેરિયાના કેસ પણ ૫૦થી વધીને ૧૦૩ થયા છે. જ્યારે ઝેરી મેલેરિયાના કેસ ૫થી વધીને ૨૦ સુધી પહોંચ્યા છે.
એએમસી દ્વારા ડેન્ગ્યુ પોઝિટિવ દર્દીઓના સેમ્પલની તપાસ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ ૧૩૬ સેમ્પલમાંથી ૫૮ સેમ્પલ ડેન્ગ્યુ પોઝિટિવ મળ્યા હતા. તેમાં ૪૬ સેમ્પલમાં ડેન્ગ્યુ ટાઇપ-૨, એક સેમ્પલમાં ટાઇપ-૩ અને પાંચ સેમ્પલમાં મિક્સ વાયરસની હાજરી જાવા મળી હતી.
એએમસીએ મચ્છરોના પણ સેમ્પલ એકત્ર કરીને તપાસ હાથ ધરી હતી. કુલ ૩૩૩ સેમ્પલમાંથી ૨૯ સેમ્પલ પોઝિટિવ મળ્યા હતા. આ પૈકી ૨૫ સેમ્પલમાં ટાઇપ-૨ અને ચાર સેમ્પલમાં ટાઇપ-૩ વાયરસ જાવા મળ્યો હતો. આરોગ્ય તંત્રના જણાવ્યા અનુસાર ડેન્ગ્યુના વિવિધ પ્રકારોમાં ટાઇપ-૨ અને ટાઇપ-૩ના ચેપમાં ગંભીર બીમારીનું જાખમ વધી શકે છે. આવા કિસ્સામાં રક્તસ્રાવ, બ્લડ પ્રેશર ઘટવું તેમજ લીવર અને કિડની જેવા મહત્વના અંગો પર અસર જેવી ગંભીર જટિલતાઓ થઈ શકે છે.શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસમાં વધારો થતાં મચ્છરોના ઉપદ્રવને રોકવા સાવચેતી રાખવી જરૂરી બની છે. ખાસ કરીને ઘરની આસપાસ કે અન્ય સ્થળોએ પાણી ભરાઈ ન રહે તેની તકેદારી રાખવી, પાણીના પાત્રોને ઢાંકીને રાખવા અને મચ્છરોના ઉત્પત્તિસ્થળોને દૂર કરવા પર ધ્યાન આપવું જરૂરી છે. ચોમાસા દરમિયાન મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધતું હોવાથી તાવ, શરીરમાં દુખાવો કે અન્ય તકલીફ જણાય તો સમયસર તબીબી સલાહ લેવી મહત્વપૂર્ણ છે.









































