ઇંગ્લેન્ડના દિગ્ગજ વિકેટકીપર-બેટ્‌સમેન જાસ બટલર ટી ૨૦ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યા છે. તેણે આ સંદર્ભમાં કિરોન પોલાર્ડનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. બટલરે ઇંગ્લેન્ડમાં રમાઈ રહેલી ધ હંડ્રેડ ટુર્નામેન્ટમાં રમતી વખતે વેલ્શ ફાયર સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. તે આ ટુર્નામેન્ટમાં માન્ચેસ્ટર સુપર જાયન્ટ્‌સનું નેતૃત્વ કરી રહ્યો છે. નિયમિત કેપ્ટન એડન માર્કરામ સિઝનના મધ્યમાં ધ હંડ્રેડ ટુર્નામેન્ટમાંથી ખસી ગયો અને બટલરને ટીમની કમાન સોંપવામાં આવી.
૫ ઓગસ્ટના રોજ, ધ હંડ્રેડ ટુર્નામેન્ટમાં માન્ચેસ્ટર સુપર જાયન્ટ્‌સ અને વેલ્શ ફાયર વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચ પહેલા, જાસ બટલરને કિરોન પોલાર્ડનો વર્લ્ડ રેકોર્ડ તોડવા માટે ૨૨ રનની જરૂર હતી. તેણે સિક્સર ફટકારીને આ રેકોર્ડ હાંસલ કર્યો. જાસ બટલરે અત્યાર સુધીમાં ૫૨૨ ૨૦ મેચોમાં ૧૪,૮૩૩ રન બનાવ્યા છે. તે હવે આ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. કિરોન પોલાર્ડ આ યાદીમાં બીજા ક્રમે છે, તેણે ૭૪૬ મેચોમાં ૧૪,૮૦૩ રન બનાવ્યા છે.
ટી ૨૦ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં ક્રિસ ગેલ ત્રીજા ક્રમે છે. ગેલે આ ફોર્મેટમાં ૪૬૩ મેચોમાં ૧૪,૫૬૨ રન બનાવ્યા છે. આ યાદીમાં ઇંગ્લેન્ડના એલેક્સ હેલ્સ ચોથા ક્રમે છે, જેમણે ૫૨૮ મેચમાં ૧૪,૪૪૯ રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્‌સમેન ડેવિડ વોર્નર પાંચમા ક્રમે છે, જેમણે ૫૨૮ ટી ૨૦ મેચમાં ૧૪,૨૮૪ રન બનાવ્યા છે.
વેલ્શ ફાયર અને માન્ચેસ્ટર સુપર જાયન્ટ્‌સ વચ્ચે રમાયેલી મેચ અંગે, બટલરની કેપ્ટનશીપ હેઠળ માન્ચેસ્ટરે ૯ વિકેટથી જીત મેળવી. પ્રથમ બેટિંગ કરતા, વેલ્શ ફાયરે ૧૦૦ બોલમાં ૪ વિકેટ ગુમાવીને
૧૫૫ રન બનાવ્યા. જવાબમાં, માન્ચેસ્ટરે ૬૯ બોલમાં ૧૬૧ રન બનાવીને આ લક્ષ્ય હાંસલ કરીને મેચ જીતી લીધી. માન્ચેસ્ટર માટે ટિમ સીફર્ટે ૩૬ બોલમાં ૬૦ રન બનાવ્યા. બટલરે ૨૦ બોલમાં ૫૧ રન બનાવ્યા, જેમાં બે ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા. સીફર્ટ અને બટલર બંને અણનમ રહ્યા.