ચારા કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે ખુશી વ્યક્ત કરી. બુધવારે પટના સ્થિત તેમના કૌટિલ્ય નગર નિવાસસ્થાનથી બહાર નીકળતા સમર્થકોએ તેમનું સ્વાગત કર્યું અને તેમની સાથે ફોટોગ્રાફ્સ પડાવ્યા. લાલુ યાદવે મીડિયાના પ્રશ્નનો ટૂંકો જવાબ આપતા કહ્યું, “હા, હું ખુશ છું.”
સુપ્રીમ કોર્ટે ઝારખંડના દેવઘર ટ્રેઝરી સાથે સંકળાયેલા ઘાસચારા કૌભાંડ કેસમાં ઝારખંડ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી રાહતમાં દખલ કરવાનો ઇનકાર કર્યો છે. લાલુ પ્રસાદ યાદવની સજા પર રોક લગાવતો અને તેમને જામીન આપતો હાઈકોર્ટનો આદેશ હાલ પૂરતો અમલમાં છે. સુપ્રીમ કોર્ટે ઝારખંડ હાઈકોર્ટને છ મહિનાની અંદર પેન્ડિગ ફોજદારી અપીલનો નિકાલ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે હાઈકોર્ટનો આદેશ ઘણા વર્ષોથી અમલમાં છે અને આ તબક્કે તેમાં દખલ કરવાનું કોઈ વાજબી કારણ નથી. કોર્ટે એ પણ સ્વીકાર્યું કે ૨૦૧૮ થી પેન્ડિગ અપીલનો ઝડપથી નિર્ણય લેવો જાઈએ જેથી કેસનો આખરે નિકાલ થઈ શકે.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશનએ હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો, જેમાં દલીલ કરવામાં આવી હતી કે લાલુ પ્રસાદ યાદવને ખોટા આધારો પર સ્થગિત સજાનો લાભ આપવામાં આવ્યો હતો. એજન્સીએ દલીલ કરી હતી કે અલગ-અલગ કેસોમાં આપવામાં આવેલી સજા ક્રમિક રીતે ગણવી જોઈએ, તેથી અડધી સજા પૂર્ણ કરવાનો આધાર માન્ય નથી.
આ દરમિયાન, લાલુ પ્રસાદનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં દલીલ કરી હતી કે સજા એકસાથે ચાલશે કે અલગથી તે અંગેનો નિર્ણય અંતિમ અપીલ સુનાવણી દરમિયાન લેવો જાઈએ. તેમણે એવી પણ દલીલ કરી હતી કે હાઇકોર્ટે, તેના ન્યાયિક વિવેકાધિકારનો ઉપયોગ કરીને, અન્ય સમાન કેસોમાં આપવામાં આવેલી રાહત જેવી જ રાહત આપી છે.








































