સુરતમાં તાજેતરમાં આવેલા ખાડીપૂરે ભારે તબાહી મચાવી છે, જેમાં ૩૦૦૦થી વધુ કાર અને બાઇક પાણીમાં ડૂબી ગયા છે. અચાનક પૂર આવવાના કારણે લોકોને પોતાના વાહનો બચાવવાની તક જ ન મળી. લાંબા સમય સુધી પાણીમાં રહેવાને કારણે વાહનોના એન્જિન, ગિયર બોક્સ અને એર ફિલ્ટરમાં પાણી ભરાઈ ગયું છે. આધુનિક ગાડીઓમાં સેન્સર્સ અને ઈલેક્ટ્રોનિક પાટ્‌ર્સમાં શોર્ટ સર્કિટ થવાથી વાયરિંગ બળી ગયું છે અને એન્જિન સીઝ થઈ ગયા છે. આ ગંભીર ટેકનિકલ ખામીઓના કારણે વાહનમાલિકોને લાખો રૂપિયાનું મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે.હાલ સુરતના તમામ ગેરેજો અને ઓથોરાઈઝ્ડ સર્વિસ સેન્ટરો વાહનોથી ઉભરાઈ રહ્યા છે, જેના કારણે ત્યાં એક-એક મહિનાનું લાંબુ વેઇટિંગ ચાલી રહ્યું છે. ખાસ કરીને હાઈબ્રિડ અને ઈલેક્ટ્રિક કારોનું રિપેરિંગ કામ વધુ મુશ્કેલ બન્યું છે, કારણ કે લક્ઝુરિયસ ગાડીઓના સ્પેરપાટ્‌ર્સ તાત્કાલિક ઉપલબ્ધ ન હોવાથી બહારથી મંગાવવા પડે છે. વરાછા જેવા વિસ્તારોમાં રત્નકલાકારોની ગાડીઓ પણ ભંગાર જેવી થઈ ગઈ છે. પૂરના તોતિંગ ખર્ચના કારણે સુરતવાસીઓ હાલ માનસિક અને આર્થિક રીતે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.