ગોંડલમાં ગોંડલી નદી પર બની રહેલા નવા બ્રિજની કામગીરીને આગળ વધારવા માટે નગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન આશરે ૧૨ જેટલા કાચા-પાકા મકાનો તેમજ ભંગારના ડેલાઓ દૂર કરવામાં આવ્યા હતા. નગરપાલિકા તંત્રના જણાવ્યા મુજબ અગાઉ બે વખત નોટિસ આપવામાં આવી હતી તેમજ અનેક વખત રૂબરૂ સમજાવટ પણ કરવામાં આવી હતી, છતાં જગ્યા ખાલી ન કરાતા કાર્યવાહી કરવી પડી હતી. હાલ બ્રિજની બંને બાજુ આશરે ૭૦ મીટર જેટલું દબાણ દૂર કરવામાં આવ્યું છે, જ્યારે બાકીની કાર્યવાહી ચોમાસા બાદ કરવામાં આવશે. ચીફ ઓફિસર એ.જે. વ્યાસના માર્ગદર્શન હેઠળ ટીમે કાર્યવાહી પૂર્ણ કરી હતી. સ્થળ પર પાલિકાના આગેવાનો પણ હાજર રહ્યા હતા. નગરપાલિકાએ જણાવ્યું છે કે ડિમોલિશનથી બેઘર બનેલા પરિવારો માટે આશ્રયની જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. બીજી તરફ દેવીપૂજક સમાજના આગેવાન રવિ સોલંકીએ આ કાર્યવાહીથી ગરીબ પરિવારો મુશ્કેલીમાં મુકાયા હોવાનો આક્ષેપ કરી જવાબદારો સામે નારાજગી વ્યક્ત કરી હતી.






































