ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા તબીબી વ્યવસાયમાં નૈતિકતાનું ઉલ્લંઘન કરનાર ત્રણ નામી સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો સામે અત્યંત કડક કાર્યવાહી કરવામાં આવી છે. ફાર્માસ્યુટિકલ કંપની પાસેથી આર્થિક લાભ અને વિદેશ પ્રવાસનો ખર્ચ સ્વીકારવો આ ત્રણ તબીબોને ભારે પડ્યો છે. કાઉન્સિલે ત્રણેય ડોક્ટરોને ૧૩ મહિના માટે સસ્પેન્ડ કરી તેમનું મેડિકલ રજિસ્ટ્રેશન રદ કરવાનો આદેશ આપ્યો છે.
જીએમસી દ્વારા શિસ્તભંગના કેસમાં જે ત્રણ તબીબો પર ગાજ પડી છે, તેમાં સુરત અને અમદાવાદના જાણીતા નામ ડો. જગદીશકુમાર સખિયા (ડર્મેટોલોજિસ્ટ, સુરત), ડો. અમી શાહ (સ્કિન સ્પેશિયાલિસ્ટ, સુરત) અને ડો. ગીતા પટેલ (સ્કિન સ્પેશિયાલિસ્ટ, અમદાવાદ)નો સમાવેશ થાય છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, ત્રણ નામી સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા મેડિકલ એથિક્સના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૪ અને ૨૦૨૪ દરમિયાન પેરિસમાં આયોજિત એક આંતરરાષ્ટ્રીય મેડિકલ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે આ તબીબો ગયા હતા. આ પ્રવાસ દરમિયાન તેમની એર ટિકિટ, લક્ઝુરિયસ હોટેલનું ભાડું અને ભોજન સહિતનો તમામ ખર્ચ ‘એબ્બી હેલ્થકેર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ’ નામની ફાર્મા કંપની દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.
મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ગુજરાત મેડિકલ કાઉન્સિલના સ્પષ્ટ નિયમો છે કે કોઈ પણ રજિસ્ટર્ડ તબીબ ફાર્માસ્યુટિકલ કે બાયોટેક કંપનીઓ પાસેથી કોઈપણ પ્રકારની સ્પોન્સરશિપ, આર્થિક લાભ, ભેટ કે વિદેશ પ્રવાસની ટિકિટ સ્વીકારી શકે નહીં. સામાન્ય રીતે, ફાર્મા કંપનીઓ પોતાની દવાઓ કે પ્રોડક્ટ્‌સને પ્રોત્સાહન આપવા માટે તબીબોને આવી લાલચ આપતી હોય છે, જે વ્યાવસાયિક આચારસંહિતાની વિરુદ્ધ છે. દર્દીઓના હિતમાં તબીબો નિષ્પક્ષ રહે તે હેતુથી આ નિયમ બનાવવામાં આવ્યો છે.
જીએમસીના આ કડક નિર્ણયને પગલે આગામી ૧૩ મહિના સુધી આ ત્રણેય ડોક્ટરો માટે સ્થિતિ કપરી રહેશે. તેઓ આગામી ૧૩ મહિના સુધી દેશમાં ક્યાંય પણ તબીબી પ્રેક્ટિસ કરી શકશે નહીં. તેઓ પોતાના ક્લિનિક કે હોસ્પિટલ પર ડોક્ટર તરીકેનું નામ કે બોર્ડ લગાવી શકશે નહીં. સસ્પેન્શન દરમિયાન તેઓ તબીબી વ્યવસાય સંબંધિત કોઈ પણ કાનૂની અધિકારનો દાવો કરી શકશે નહીં.
નોંધનીય છે કે, ૧૩ મહિનાનો આ ગાળો પૂર્ણ થયા બાદ નિયમોનું પાલન કરીને તેઓ ફરીથી કાઉન્સિલ સમક્ષ રજિસ્ટ્રેશન કરાવી પ્રેક્ટિસ શરૂ કરી શકશે. ય્સ્ઝ્રની આ કાર્યવાહીથી તબીબી જગતમાં ફફડાટ ફેલાયો છે અને ફાર્મા કંપનીઓ સાથેના ડોક્ટરોના સંબંધો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે.