અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં મોડી રાત્રે સામાન્ય બોલાચાલી જીવલેણ સાબિત થઈ હતી. રબારી કોલોની નજીક આવેલા વાઘજીભાઈ એસ્ટેટ વિસ્તારમાં એક યુવકની છરીના હુમલામાં હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં અમરાઈવાડી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આરોપીને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક કિશનભાઈ તેમના પરિવાર સાથે વાઘજીભાઈ એસ્ટેટમાં રહેતા હતા. મોડી રાત્રે ઘરની બહાર અવાજ આવતાં તેઓ અને તેમના પત્ની બહાર આવ્યા હતા. તે સમયે કેટલાક યુવકો ઘરની બહાર ઊભા હતા. આરોપી તરીકે ઓળખાતા એક યુવકે ઘરની બહાર રાખેલા પાણીના પીપમાંથી મોઢું ધોયું હતું અને પીપનું ઢાંકણું જમીન પર પડી ગયું હતું. આ બાબતે કિશનભાઈએ તેને ટોકતાં બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, શરૂઆતમાં અન્ય લોકો વચ્ચે પડતાં મામલો શાંત થયો હતો અને યુવકો ત્યાંથી ચાલ્યા ગયા હતા. જાકે થોડા સમય બાદ આરોપી ફરી ઘટનાસ્થળે આવ્યો અને કિશનભાઈ પર ધારદાર હથિયારથી હુમલો કર્યો હોવાનો આરોપ છે.હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા કિશનભાઈને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
ઘટનાની જાણ થતાં અમરાઈવાડી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો કામે લગાડી છે. આસપાસના ફૂટેજ તેમજ સાક્ષીઓના નિવેદનોના આધારે તપાસ આગળ વધી રહી છે.રહેણાંક વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભય અને ચિંતા ફેલાઈ છે. નાની બાબતે થયેલી હિંસક ઘટનાએ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ ચર્ચા જગાવી છે.