કોંગ્રેસ પાર્ટીએ મંગળવારે એક મીડિયા રિપોર્ટને ટાંકીને દાવો કર્યો હતો કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવના પરિવારે ઉજ્જૈનમાં એવા વિસ્તારોમાં મોટા પાયે જમીન ખરીદી છે જે માળખાગત સુવિધાઓના પ્રોજેક્ટ્સથી લાભ મેળવવા માટે તૈયાર છે. પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે રાજ્યમાં ભાજપની “ડબલ-એન્જીન” સરકાર હેઠળ “લૂંટનું એન્જીન” પૂરજોશમાં ચાલી રહ્યું છે.
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક રિપોર્ટ શેર કર્યો હતો. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મુખ્યમંત્રી મોહન યાદવના પરિવાર અને તેમની રિયલ એસ્ટેટ કંપનીઓએ ડિસેમ્બર ૨૦૨૩ થી બે વર્ષમાં ઉજ્જૈનમાં ઓછામાં ઓછા ૧૩૭ પ્લોટ ખરીદ્યા છે, જે કુલ ૧૬૮ એકર વિસ્તારમાં ફેલાયેલા છે.
આ જમીનોની કિંમત આશરે ૪૫ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. અહેવાલ મુજબ, મોટાભાગની જમીન એવા વિસ્તારોમાં આવેલી છે જ્યાં રાજ્ય સરકાર દ્વારા રોડ પ્રોજેક્ટ્સ અને જમીન ઉપયોગ પરિવર્તનની જાહેરાતોનો લાભ મળવાની શક્યતા છે.
જયરામ રમેશે એકસ પર લખ્યું હતું કે મધ્યપ્રદેશમાં ભાજપની “ડબલ એન્જીન” સરકાર હેઠળ “લૂંટનું એન્જીન” પૂરજોશમાં ચાલી રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે મુખ્યમંત્રી મોહન યાદવ પોતે આ કથિત “લૂંટ”નું નેતૃત્વ કરી રહ્યા છે.
રમેશે વધુમાં કહ્યું કે એવી પણ ચર્ચા છે કે મધ્યપ્રદેશથી કેન્દ્ર સરકારમાં સ્થળાંતર થયેલા કૃષિ પ્રધાન મુખ્યમંત્રી વિરુદ્ધ સમાચાર ‘રોપવા’ પાછળ છે. તેઓ કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણનો ઉલ્લેખ કરી રહ્યા હતા. એવું લાગે છે કે આ આંતરિક સંઘર્ષ સત્તાના પદ અને હિસ્સાને લઈને છે.









































