બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાંથી એક અત્યંત આશ્ચર્યજનક અને કુતૂહલ જગાવે તેવી ઘટના સામે આવી છે. થરાદ તાલુકાના સેદલા ગામના એક ૭૫ વર્ષીય વૃદ્ધે પવિત્ર નગરી હરિદ્વાર ખાતે ગંગા નદીમાં જીવિત જળસમાધિ લીધી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચર્ચા અને આશ્ચર્યનો માહોલ સર્જાયો છે. વાવ થરાદના એક વૃદ્ધે જળસમાધી લીધી હોવાના દાવા વચ્ચે જેઠાભાઈ રાજપૂતે ગંગા નદીમાં જળસમાધી લીધી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોને ઢ ૨૪ કલાક પુષ્ટી કરતું નથી.
સેદલા ગામના રહેવાસી જેઠાજી રૂપાજી રાજપૂત (ઉંમર ૭૫ વર્ષ) છેલ્લા ૨૦ વર્ષથી નિયમિતપણે હરિદ્વાર જતા હતા અને ગંગાજીના સાનિધ્યમાં ભક્તિ તથા સાધના કરતા હતા. છેલ્લા બે વર્ષથી તેઓ અવારનવાર ગંગા નદીમાં જળસમાધિ લેવાની તીવ્ર ઈચ્છા વ્યક્ત કરતા હતા. અગાઉ પણ તેઓ આ હેતુથી હરિદ્વાર ગયા હતા, પરંતુ પરિવારજનોની સમજાવટ બાદ બે-ત્રણ વાર વતન પરત ફર્યા હતા.
જો કે, આ વખતે તેમણે જળસમાધિ લેવાનો દૃઢ સંકલ્પ કરી લીધો હતો. આખરે પરિવારની મંજૂરી મેળવીને તેઓ ગત ૧૬ જૂનના રોજ એકલા જ હરિદ્વાર જવા રવાના થયા હતા અને ૧૮ જૂન ૨૦૨૬, ગુરુવારની વહેલી સવારે તેમણે ગંગા નદીમાં જળસમાધિ લીધી હોવાનું સામે આવ્યું છે.
આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે જેઠાજીના પરિવાર દ્વારા સોશિયલ મીડિયા પર એક પત્રિકા જાહેર કરવામાં આવી. આ પત્રિકા વાયરલ થતાં જ લોકોમાં કુતૂહલ વ્યાપી ગયું હતું. આ સાથે જ સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ ગંગા નદીમાં દેખાઈ રહ્યા છે. જો કે, પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, આ વીડિયો જૂનો છે જ્યારે તેઓ પરિવાર સાથે હરિદ્વાર ગયા હતા. વાસ્તવિક જળસમાધિ સમયનો કોઈ વીડિયો ઉપલબ્ધ નથી.
જેઠાજી રાજપૂતના પુત્ર અરજણભાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારા પિતાજીની અંતિમ ઈચ્છા હતી કે તેમના ગયા પછી કોઈ સામાજિક રીત-રિવાજા કે મરણોત્તર વિધિઓ ન કરવી. તેઓ કહેતા કે મને કોઈ પબ્લીસિટી પસંદ નથી, તેથી કોઈ દેખાડો ન કરવો. શરૂઆતમાં અમે સામાજિક રીત-રિવાજ મુજબ ક્રિયાઓ કરવાનું વિચારતા હતા, પરંતુ તેમની આખરી ઈચ્છાને માન આપીને અમે બેસણું, બારમું કે તેરમું જેવી તમામ લૌકિક ક્રિયાઓ બંધ રાખી છે અને સમાજને પણ શોક ન કરવા અપીલ કરી છે.”
એક તરફ વૈજ્ઞાનિક અને આધુનિક યુગમાં આવી ઘટનાઓ દુર્લભ માનવામાં આવે છે, ત્યારે બીજી તરફ આધ્યાત્મીક દૃષ્ટિએ આ ઘટનાને જેઠાજીની અજાડ ભક્તિ અને વૈરાગ્ય સાથે જોડીને જોવામાં આવી રહી છે. હાલ તો સેદલા ગામ સહિત સમગ્ર બનાસકાંઠામાં આ ‘જીવિત જળસમાધિ’ ભારે ચર્ચાનો વિષય બની છે.