જાફરાબાદ તાલુકાના લૂણસાપૂર ગામમાં ‘દેવપગલી’ નામની અનોખી ઘોડી હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે. કાઠી દરબાર ભગુભાઈ માત્રાભાઈ કોટીલાના પરિવાર પાસે રહેલી આ ઘોડીની અંદાજિત કિંમત ૫૧ લાખ રૂપિયા સુધી પહોંચી હોવાનું માનવામાં આવે છે. ચાર મહિના અગાઉ રાજસ્થાનમાંથી ૩૬ લાખ ૬૬ હજાર ૬૬૬ રૂપિયામાં ખરીદાયેલી આ ઘોડી ૬૫ ઇંચથી વધુ ઊંચી અને ૮ ફૂટથી વધુ લંબાઈ ધરાવે છે. ‘દેવ’ બ્રિડ લાઇનની આ ઘોડીનું શરીર બંધારણ આકર્ષક અને સ્વભાવ શાંત હોવાથી તેની વિશેષ ઓળખ ઉભી થઈ છે. ઘોડી ગર્ભવતી હાલતમાં ખરીદવામાં આવી હતી અને હાલમાં તેને ત્રણ મહિનાનું વછેરું છે. ઉત્તમ વંશપરંપરા અને વિશિષ્ટ લક્ષણોને કારણે તેની માંગ સતત વધી રહી છે અને સમગ્ર બાબરીયાવાડ પંથકમાં તે આકર્ષણનું કેન્દ્ર બની છે.










































