વડિયા મુકામે લેઉવા પટેલ સમાજની વાડી ખાતે પ્રમુખ કેશુભાઈ ઊંધાડના અધ્યક્ષસ્થાને એક વિશેષ બેઠક મળી હતી, જેમાં સામાજિક હિત અને વિકાસલક્ષી કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે પટેલ વાડીની બાજુમાં રહેતા ઉદારદિલ સખીયા પરિવારે પોતાના વડીલોની પુણ્યસ્મૃતિમાં અંદાજે ૧૫૦ વાર રહેણાંક હેતુની કિંમતી જમીન સમાજને દાન સ્વરૂપે અર્પણ કરવાની જાહેરાત કરી હતી. સખીયા પરિવારના આ પ્રેરણાદાયી અને ભગીરથ કાર્યને સમગ્ર સમાજે હર્ષભેર વધાવી લીધું હતું. ઉપસ્થિત અગ્રણીઓએ પરિવારનો હૃદયપૂર્વક આભાર માની આ જમીનનો ઉપયોગ ભાવિ પેઢીના ઉત્કર્ષ માટે કરવાની ખાતરી આપી હતી. બેઠકના અંતે સમાજના સર્વાંગી વિકાસ માટે સૌ સભ્યોએ એકતા અને પરસ્પર સહકારથી કાર્ય કરવાની મક્કમ પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.









































