વડોદરા સહિત રાજ્યભરમાં હાલ ‘સ્વચ્છતા સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સ્વચ્છતા સપ્તાહ અભિયાન અંતર્ગત વડોદરા તાલુકાની પદમલા પ્રાથમિક શાળા ખાતે શાળા પરિવાર દ્વારા “પ્લાસ્ટીક મુક્ત પર્યાવરણ” વિષય પર વિશેષ જાગૃતિ કાર્યક્રમ અને સઘન સ્વચ્છતા ઝુંબેશનું સફળ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રથમ ચરણમાં શાળાના વિદ્યાર્થીઓ માટે જાગૃતિ સભાનું આયોજન કરાયું હતું. જેમાં ઉપસ્થીત વક્તાઓ અને શિક્ષકો દ્વારા દિન-પ્રતિદિન વધતા પ્લાસ્ટીકના ઉપયોગ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને સિંગલ યુઝ પ્લાસ્ટીકના કારણે પર્યાવરણ, મૂંગા પશુ-પક્ષીઓ અને માનવ સ્વાસ્થ્ય પર થતી દૂષિત અસરો વિશે વિસ્તૃત સરકારી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે જ, પ્લાસ્ટીકના સક્ષમ વિકલ્પ તરીકે કપડાની થેલી અને અન્ય પર્યાવરણમિત્ર વસ્તુઓનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરવા સાર્વત્રિક અપીલ કરવામાં આવી હતી.
જાગૃતિ સભા બાદ દ્વિતીય ચરણમાં, શાળાના ઉત્સાહી વિદ્યાર્થીઓ અને સમગ્ર શિક્ષકગણ દ્વારા પ્રેરણાદાયી શ્રમદાન કરવામાં આવ્યું હતું. આ સફાઈ અભિયાન અંતર્ગત શાળાના સમગ્ર પરિસર, રમતગમતના મેદાન તેમજ આસપાસના જાહેર વિસ્તારોમાંથી પ્લાસ્ટીકનો કચરો અને અન્ય ગંદકી એકત્રિત કરી વૈજ્ઞાનિક ઢબે તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમના સમાપન અવસરે, દેશના જવાબદાર નાગરિક તરીકે સ્વચ્છતા જાળવવા અને દેશને પ્લાસ્ટીક મુક્ત બનાવવા માટે ઉપસ્થીત સૌએ સામૂહિક સંકલ્પ લીધા હતા. આ સમગ્ર સરકારી અભિયાનને સફળ બનાવવા માટે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ સ્થાનિક ગ્રામજનોએ ભારે ઉત્સાહ દાખવી પ્રશંસનીય સહયોગ આપ્યો હતો.










































