ગુજરાતભરની શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭નો સત્તાવાર પ્રારંભ થયો છે. ઉનાળાની લાંબી ૩૫ દિવસીય રજાઓ પૂર્ણ થતાં રાજ્યની હજારો શાળાઓ ફરીથી વિદ્યાર્થીઓના કલરવ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓથી જીવંત બની હતી. પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક સ્તર સુધીની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી મળી કુલ ૫૪ હજારથી વધુ શાળાઓમાં એક કરોડથી વધુ વિદ્યાર્થીઓ માટે શિક્ષણની નવી સફર શરૂ થઇ
નવા શૈક્ષણિક વર્ષને લઈને વિદ્યાર્થીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો રજાઓ દરમિયાન આરામ અને મોજમસ્તી બાદ હવે બાળકો નવા પુસ્તકો, નવી નોટબુક, નવા યુનિફોર્મ અને નવા સંકલ્પો સાથે શાળાના દ્વારે પહોંચ્યા હતાં શાળાઓમાં વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને મોં મીઠુ કરાવવામાં આવ્યું હતું
શૈક્ષણિક કેલેન્ડર મુજબ પ્રથમ સત્ર ૮ જૂનથી ૪ નવેમ્બર સુધી ચાલશે, જેમાં કુલ ૧૨૦ દિવસનું શિક્ષણ કાર્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. ત્યારબાદ દિવાળી વેકેશન બાદ ૨૬ નવેમ્બરથી બીજા સત્રની શરૂઆત થશે, જે ૨ મે સુધી ચાલશે અને તેમાં ૧૨૪ દિવસનું શૈક્ષણિક કાર્ય યોજાશે. આ રીતે સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે વિવિધ શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રવૃત્તિઓનો લાભ મળશે.
નવા સત્ર સાથે કેટલીક પડકારજનક પરિસ્થિતિઓ પણ સામે આવી રહી છે. કેટલાક માધ્યમો અને વિષયોના પાઠ્યપુસ્તકો હજુ સુધી સંપૂર્ણપણે ઉપલબ્ધ ન થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા જાવા મળી રહી છે. કાગળના પુરવઠા સંબંધિત વૈશ્વીક પરિસ્થિતિઓના કારણે કેટલાક પુસ્તકોના વિતરણમાં વિલંબ નોંધાયો હોવાનું માનવામાં આવે છે. જોકે સંબંધિત તંત્ર દ્વારા ટૂંક સમયમાં તમામ પુસ્તકો ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપવામાં આવી રહી છે. બીજી તરફ ઓનલાઈન શિક્ષણ અથવા વેકેશન વધારવાની અટકળો વચ્ચે હવે સ્પષ્ટ થઈ ગયું છે કે રાજ્યની તમામ શાળાઓ નિયમિત ઓફલાઈન શિક્ષણ પદ્ધતિ સાથે જ કાર્યરત રહેશે. ગરમી અને અન્ય મુદ્દાઓને આધારે વેકેશન લંબાવવાની માંગ ઉઠી હતી, પરંતુ સરકાર દ્વારા શૈક્ષણિક કેલેન્ડર મુજબ જ શાળાઓ શરૂ કરવાનો નિર્ણય જાળવી રાખવામાં આવ્યો છે.
નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે શિક્ષણ વિભાગ સામે સૌથી મોટો પડકાર શિક્ષકોની અછતનો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં અનેક જગ્યાઓ ખાલી હોવાને કારણે શિક્ષણની ગુણવત્તા જાળવવી એક મહત્વપૂર્ણ જવાબદારી બની રહેશે. ઘણી જગ્યાએ એક જ શિક્ષકને એકથી વધુ વર્ગોનું સંચાલન કરવાની ફરજ પડી રહી છે. શિક્ષકોની ભરતી અને ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા ઝડપી બને તે સમયની જરૂરિયાત બની છે.









































