સુરત મહાનગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી સંકલન સમિતિની બેઠક ભારે તોફાની અને ઉગ્ર રહી હતી. ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે શહેરની પ્રિ-મોન્સૂન કામગીરી અને પાલિકાના અધિકારીઓના કથિત ભ્રષ્ટાચારને લઈને શાસક પક્ષના જ ધારાસભ્યોએ મનપાના વહીવટી તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા. બેઠકમાં ધારાસભ્ય સંદીપ દેસાઈ અને કુમાર કાનાણીની ઉગ્ર રજૂઆતોને પગલે વાતાવરણ તંગ બની ગયું હતું. બેઠકની શરૂઆતમાં જ ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈએ સુરત શહેરમાં ચાલી રહેલી પ્રિ-મોન્સૂન કામગીરીનો મુદ્દો જારશોરથી ઉઠાવ્યો હતો. તેમણે કામગીરીની ધીમી ગતિ સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે, ચોમાસું માથે આવીને ઊભું છે છતાં હજુ સુધી સફાઈ અને પ્રિ-મોન્સૂન કામગીરી અધૂરી છે. જા આ કામગીરી વહેલી તકે પૂરી કરવામાં નહીં આવે તો ચોમાસામાં જનતાએ ભોગવવું પડશે. તેમણે અધિકારીઓને કડક સૂચના આપતા જણાવ્યું હતું કે, કાગળ પર કામ બતાવવાનું બંધ કરીને ગ્રાઉન્ડ લેવલ પર પ્રિ-મોન્સૂન કામગીરી તાત્કાલિક અને ઝડપથી પૂર્ણ કરવામાં આવે.
બીજી તરફ, વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ પ્રિ-મોન્સૂન કામગીરી મુદ્દે તંત્રને આડે હાથ લીધું હતું. પરંતુ, ત્યારબાદ તેમણે વરાછાના રાણા વિસ્તારમાં થઈ રહેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સના બાંધકામને લઈને જે રજૂઆત કરી, તેનાથી બેઠકમાં સોંપો પડી ગયો હતો. કુમાર કાનાણીએ સુરત મહાનગરપાલિકાના ઝોનલ અધિકારીઓ પર સીધા અને ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, પાલિકાના અધિકારીઓ રૂપિયા લઈને ગેરકાયદેસર કામોને મંજૂરી આપી રહ્યા છે.
કુમાર કાનાણીએ અધિકારીઓની મિલિભગત અને ભ્રષ્ટાચારની નીતિ ખુલ્લી પાડતા બેઠકમાં આક્રોશપૂર્વક જણાવ્યું કે જા કોઈ બાંધકામ કરનાર વ્યક્તિ અધિકારીઓને રૂપિયા ન આપે, તો તેના બાંધકામ પર તાત્કાલિક ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવે છે. જે વ્યક્તિ અધિકારીઓને મોં માગ્યા રૂપિયા આપી દે છે, તેના ગેરકાયદેસર બાંધકામ સામે કોઈ જ પગલાં લેવાતા નથી અને તેમનું ડિમોલિશન અટકાવી દેવાય છે.
તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી હતી કે, મહાનગરપાલિકાના અધિકારીઓનો આ ખુલ્લેઆમ ચાલી રહેલો ભ્રષ્ટાચાર હવે સાંખી લેવામાં નહીં આવે અને આ દૂષણ તાત્કાલિક બંધ થવું જ જાઈએ. લોકપ્રતિનિધિઓના આવા આક્રમક વલણ અને પુરાવા સાથેની રજૂઆતોને પગલે મનપાના ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.










































