રાજય ઉર્જામંત્રી કૌશિક વેકરીયાના હસ્તે શહેરના વિવિધ વિસ્તારોમાં સુવિધાલક્ષી કામગીરી હાથ ધરાઈ

અમરેલી શહેરના સર્વાંગી વિકાસને નવી દિશા આપવા માટે ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે રૂપિયા ૨૫ કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ગ, ડ્રેનેજ અને લાઇટિંગ જેવી પાયાની માળખાગત સુવિધાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજનાના ઓજી એરિયા અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬ માટે રૂપિયા ૨૦ કરોડથી વધુના ખર્ચે કોંક્રિટ રોડ, ડ્રેનેજ લાઇન અને સ્ટ્રીટલાઇટના કામો હાથ ધરાશે, જેનાથી નાગરિકોને ગુણવત્તાયુક્ત શહેરી સુવિધાઓ ઉપલબ્ધ થશે.આ ઉપરાંત, રૂપિયા ૪.૭૨ કરોડના ખર્ચે અમરેલી શહેરના ત્રણ મુખ્ય માર્ગોને આઇકોનિક રોડ એટલે કે ‘ગૌરવ પથ’ તરીકે વિકસાવવામાં આવશે. આ માર્ગોમાં સિવિલ હોસ્પિટલ રોડ, સેન્ટર પોઇન્ટથી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર તરફનો માર્ગ અને ભીડભંજનથી બાયપાસ સુધીના માર્ગનો સમાવેશ થાય છે. આ આધુનિક માર્ગો પર કાંકરીની ફૂટપાથ, સુશોભન ગાર્ડન, આધુનિક લાઇટિંગ પોલ, એલ.ઈ.ડી. લાઇટ્‌સ, ટ્રી ગાર્ડ, ડિસ્પ્લે સાઇન બોર્ડ, રોડ પેઇન્ટિંગ અને હાઇમાસ્ટ ટાવર જેવી સુવિધાઓ ઊભી કરાશે, જે શહેરની સુંદરતા અને ટ્રાફિક વ્યવસ્થામાં મોટો સુધારો લાવશે.આ પ્રસંગે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ અમરેલીને સ્માર્ટ અને હરિયાળું શહેર બનાવવા નવી ટીમ કટિબદ્ધ છે. કાર્યક્રમમાં સાવરકુંડલા ચોકડી અને સિવિલ હોસ્પિટલ નજીક પ્રતિકાત્મક ખાતમુહૂર્ત કરાયું હતું. નગરપાલિકા પ્રમુખ વૈશાલીબહેન માંગરોળીયા અને અન્ય હોદ્દેદારોનું અભિવાદન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતુલભાઈ કાનાણી, પી.પી. સોજિત્રા, નગરપાલિકાના સભ્યો, ચીફ ઓફિસર રાઠોડ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.