તમિલનાડુના ભૂતપૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ કે. અન્નામલાઈએ ભાજપમાંથી ઔપચારિક રીતે રાજીનામું આપી દીધું છે. રાજીનામા બાદ, અન્નામલાઈએ એક નવું રાજકીય આંદોલન, ‘વી ધ લીડર્સ’ શરૂ કર્યું, જેણે તેની શરૂઆતના કલાકોમાં જ ૧ મિલિયનથી વધુ લોકોને આકર્ષ્યા અને તે સતત વધતું રહ્યું. ભાજપ છોડી ગયેલા અન્નામલાઈએ શિક્ષણ, આરોગ્ય, ટકાઉપણું અને યુવા નેતૃત્વ પ્રત્યે ઉત્સાહી લોકોને તેમના પક્ષમાં જાડાવા માટે આહ્વાન કર્યું છે, આ આંદોલનને એક નવી રાજકીય યાત્રાની શરૂઆત ગણાવ્યું છે.
અન્નામલાઈએ તેમના નવા રાજકીય પક્ષના ઉદ્દેશ્યને સામાન્ય માણસનું રાજકારણ ગણાવ્યું. નવી પાર્ટીની જાહેરાત પહેલાં જ, આ આંદોલને તમિલનાડુના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. કે. અન્નામલાઈએ ટ્વિટ કર્યું, “આપણા રાજકીય આંદોલને એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે; માત્ર ૧૦ કલાકમાં ૧૦ લાખથી વધુ નેતાઓએ નોંધણી કરાવી છે. આ અસાધારણ પ્રતિભાવ આપણા સહિયારા દ્રષ્ટિકોણ અને સામૂહિક મિશનમાં વધતી શ્રદ્ધાનો શક્તિશાળી પુરાવો છે. હું આ ચળવળમાં વિશ્વાસ મૂકનારા દરેકનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.”
અન્નામલાઈ ભૂતપૂર્વ ભારતીય પોલીસ સેવા અધિકારી છે. તેમણે પોલીસ સેવા છોડી દીધી અને રાજકારણમાં પ્રવેશ કર્યો, ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા. પાર્ટીમાંથી રાજીનામું આપ્યા પછી, કે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક પોસ્ટમાં, અન્નામલાઈએ તેમના નવા રાજકીય પક્ષ, “વી ધ લીડર્સ” ની સત્તાવાર વેબસાઇટની લિંક શેર કરી. તેમના “વી ધ લીડર્સ” ચળવળને કલાકોમાં જ લાખો લોકોનો ટેકો મળ્યો. તેમની પોસ્ટના કેપ્શનમાં, અન્નામલાઈએ કહ્યું, “ચાલો આગળ વધીએ, પગલાં લઈએ અને ફરક લાવીએ. અમારા રાજકીય ચળવળને શરૂ કરવા માટે અહીં જાડાઓ.”
કે. અન્નામલાઈએ ૧૦મા ધોરણમાં પોતાનું નામ પસંદ કર્યું. તેમના માતાપિતાએ તેમનું નામ શિવ સેન્થીલ કુમાર રાખ્યું, જે પાછળથી તેમનું પૂરું નામ “અન્નામલાઈ શિવ સેન્થીલ કુમાર” બની ગયું, પરંતુ આ નામ તેમના શાળાના પ્રમાણપત્ર માટે ખૂબ લાંબુ હતું. ૧૦મા ધોરણમાં તેમના નામની પસંદગી વિશે પૂછવામાં આવ્યું ત્યારે, તેમણે ટૂંકું નામ “અન્નામલાઈ” પસંદ કર્યું. ૨૦૨૦ ના એક ઇન્ટરવ્યુમાં, તેમણે તેમના નામનો અર્થ સમજાવતા કહ્યું કે તે ભગવાન શિવના ઉગ્ર સ્વરૂપનું નામ છે.
૨૦૨૦ માં, પીએમ મોદીથી પ્રેરિત થઈને, અન્નામલાઈએ સિવિલ સર્વિસમાંથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં જાડાયા. તેમને તમિલનાડુમાં રાજ્ય ભાજપ ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ત્યારબાદ તેમને તમિલનાડુના પાર્ટી વડા બનાવવામાં આવ્યા. તે સમયે તેઓ માત્ર ૩૭ વર્ષના હતા. ૨૦૨૩ ની કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે તેમને ચૂંટણી સહ-પ્રભારી તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા.
એપ્રિલ ૨૦૨૫ માં, પાર્ટી હાઇકમાન્ડે અન્નામલાઈને પ્રમુખ પદ પરથી દૂર કર્યા, અને ત્યારબાદ, તેમને ૨૦૨૬ ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર અને મુખ્ય નિર્ણય લેવાની પ્રક્રિયાઓમાંથી સંપૂર્ણપણે બાજુ પર મૂકી દેવામાં આવ્યા. આનાથી ગુસ્સે થઈને, તેમણે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો. તેમણે કેન્દ્ર સરકારની કેટલીક નીતિઓ પર પણ ખુલ્લેઆમ પ્રશ્ન ઉઠાવ્યા. ઉમેદવારોની પસંદગી, બેઠક વહેંચણી અને જાડાણોના સંચાલનના મામલામાં તેમની અવગણના કરવામાં આવતાં કડવાશ વધી ગઈ.









































