પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) અને ગિલગિટ-બાલ્ટીસ્તાનમાં વધતી જતી મોંઘવારી, મૂળભૂત સુવિધાઓ અને રાજકીય અધિકારોના અભાવને લઈને લોકોનો અસંતોષ વધી રહ્યો છે. વિવિધ સ્થાનિક સંગઠનો અને નેતાઓએ આરોપ લગાવ્યો છે કે પ્રદેશના લોકોને પૂરતી સેવાઓ મળી રહી નથી, જેના કારણે અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. સ્થાનિક અહેવાલો અનુસાર, પીઓકેની રાજધાની મુઝફ્ફરાબાદ સહિત રાવલકોટ, કોટલી અને મીરપુરમાં લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે. તેઓ સરકાર અને વહીવટીતંત્ર સામે વિરોધ કરી રહ્યા છે.
પ્રદર્શનો કરનારાઓનું કહેવું છે કે આ પ્રદેશમાં મોંઘવારી, બેરોજગારી, વીજળી ગુલ થવા, ખરાબ રસ્તાઓ અને આરોગ્ય અને શિક્ષણ સુવિધાઓનો અભાવ જેવી સમસ્યાઓ લાંબા સમયથી યથાવત છે. તેમનો આરોપ છે કે ઘણા વિસ્તારોમાં લોકોને રાશન અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક સ્થાનિક લોકોએ દાવો કર્યો હતો કે સરકારની રાશન વિતરણ વ્યવસ્થા અપૂરતી છે, જેના કારણે લોકોને કલાકો સુધી રાહ જાવી પડે છે.
પીઓકેમાં વિવિધ નાગરિક સમાજ સંગઠનોના સંયુક્ત મંચ, સંયુક્ત આવામી કાર્યવાહી સમિતિએ ૯ જૂનથી એક મહિનાના જાહેર લોકડાઉનની જાહેરાત કરી છે. સંગઠનના પ્રમુખ, શૌકત નવાઝ મીરે, જનતાને આવશ્યક રાશન અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો અગાઉથી સ્ટોક કરવા અપીલ કરી છે. મીરે જણાવ્યું હતું કે તેમનું આંદોલન આ પ્રદેશ માટે જાહેર અધિકારો અને વિકાસની માંગણી કરવાનો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે પીઓકેના લોકો લાંબા સમયથી અન્યાયનો સામનો કરી રહ્યા છે અને હવે તેઓ તેમના અધિકારો માટે લડશે.
આ દરમિયાન, ૭ જૂનની ચૂંટણી પહેલા ગિલગિટ-બાલ્ટીસ્તાનમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. વિરોધી જૂથો અને સ્થાનિક નેતાઓએ આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાની સરકાર અને સૈન્ય આ પ્રદેશની રાજકીય વ્યવસ્થાને પ્રભાવિત કરવાનું ચાલુ રાખે છે. અગાઉની ગિલગિટ-બાલ્ટીસ્તાન સરકારનો કાર્યકાળ નવેમ્બર ૨૦૨૫ માં સમાપ્ત થયો હતો. આ પછી, એક વચગાળાની વ્યવસ્થા લાગુ કરવામાં આવી હતી, અને લગભગ સાત મહિના પછી હવે ચૂંટણીઓ યોજાઈ રહી છે.
ચૂંટણી પ્રચાર માટે ગિલગિટ પહોંચેલા ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે પ્રદેશની પરિસ્થીતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ ગિલગિટના રસ્તાઓ અને વિકાસ પ્રોજેક્ટ્‌સની સ્થીતિથી દુઃખી છે. તેમણે પ્રશ્ન કર્યો હતો કે વિકાસ માટે ફાળવવામાં આવેલા ભંડોળ ક્યાં ખર્ચવામાં આવ્યા છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભુટ્ટો ઝરદારીએ પણ ગિલગિટ-બાલ્ટીસ્તાન અને અન્ય પ્રદેશોના વિકાસ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે લોકોને તેમના અધિકારો અને સંસાધનોનો વાજબી હિસ્સો મળવો જાઈએ, અને પ્રાદેશિક વિકાસ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.
કેટલાક સ્થાનિક નેતાઓએ મતદાર યાદીમાં ગેરરીતિઓનો આરોપ લગાવ્યો છે. તેમણે ન્યાયી અને પારદર્શક ચૂંટણીઓની માંગ કરી છે. જાકે, આ આરોપોનો સંબંધિત અધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર પ્રતિભાવ મળ્યો નથી. હાલમાં, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટીસ્તાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને આગામી ચૂંટણીઓને કારણે પ્રદેશમાં રાજકીય વાતાવરણ ખૂબ ગરમ છે. બધાની નજર જાહેર માંગણીઓ અને વિરોધ પ્રદર્શનો પ્રત્યે પાકિસ્તાન સરકારના પ્રતિભાવ પર છે.