ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની એકમાત્ર ટેસ્ટ મેચ ૬ જૂનથી નવા ચંદીગઢના મુલ્લાનપુર સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઇન્ડીયાના વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત પાસે આ મેચમાં ઇતિહાસ રચવાની તક હશે. પંત આ મેચમાં ટેસ્ટ ક્રિકેટમાં ૧૦૦ છગ્ગા ફટકારવાના રેકોર્ડ સુધી પહોંચી શકે છે. તેણે અત્યાર સુધીમાં આ ફોર્મેટમાં ૪૯ મેચોમાં ૮૬ ઇનિંગ્સમાં ૯૪ સિક્સ ફટકારી છે. જા તે આ મેચમાં છ સિક્સ ફટકારે છે, તો તે ટેસ્ટ ક્રિકેટમાં ૧૦૦ કે તેથી વધુ સિક્સ ફટકારનાર પ્રથમ ભારતીય ક્રિકેટર અને વિશ્વનો ચોથો ક્રિકેટર બનશે. હાલમાં ફક્ત બેન સ્ટોક્સ, બ્રેન્ડન મેક્કુલમ અને એડમ ગિલક્રિસ્ટે આ સિદ્ધિ હાંસલ કરી છે.
પંત ટેસ્ટ ક્રિકેટમાં ૧૦૦ સિક્સ ફટકારનાર સૌથી ઝડપી બેટ્સમેન બની શકે છે. જા પંત અફઘાનિસ્તાન સામેની મેચમાં ૧૦૦ સિક્સ ફટકારે છે, તો તે ટેસ્ટ ક્રિકેટમાં આ સિદ્ધિ હાંસલ કરનાર સૌથી ઝડપી બેટ્સમેન બની જશે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૦૦ સિક્સ ફટકારવાનો રેકોર્ડ ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સના નામે છે, જેમણે ૮૨ મેચ રમી હતી. ઇનિંગ્સની દ્રષ્ટિએ સૌથી ઝડપી ૧૦૦ સિક્સ મારવાનો રેકોર્ડ બ્રેન્ડન મેક્કુલમના નામે છે. તેણે ૧૩૭ ઇનિંગ્સમાં ૧૦૦ સિક્સ ફટકાર્યા હતા. આ ટેસ્ટ મેચ પંતનો ૫૦મો ટેસ્ટ મેચ હશે, અને તે મોટી ઇનિંગ્સ ફટકારીને સૌથી ઝડપી ૧૦૦ સિક્સ મારવાનો રેકોર્ડ તોડવાનું લક્ષ્ય રાખશે.
પંત ભારત માટે વિકેટકીપર-બેટ્સમેન તરીકે ૫૦ ટેસ્ટ રમનાર ત્રીજા ભારતીય બનશે. એમએસ ધોનીએ વિકેટકીપર-બેટ્સમેન તરીકે ૯૦ ટેસ્ટ રમી છે. તેમના પછી સૈયદ કિરમાણીનો નંબર આવે છે, જેમણે ૮૮ ટેસ્ટ રમી છે. આ ફોર્મેટમાં પંતના આંકડા મુજબ ૪૯ મેચોમાં ૮૬ ઇનિંગ્સમાં ૪૨.૯૧ ની સરેરાશથી ૩,૪૭૬ રન બનાવ્યા છે, જેમાં ૮ સદી અને ૧૮ અડધી સદીનો સમાવેશ થાય છે.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા કોણે ફટકાર્યા છે?
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા મારવાનો રેકોર્ડ ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સના નામે છે. તેમણે અત્યાર સુધીમાં ૧૩૬ છગ્ગા માર્યા છે, ત્યારબાદ બ્રેન્ડન મેક્કુલમનો નંબર આવે છે, જેમણે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં ૧૦૭ છગ્ગા માર્યા છે. આ ફોર્મેટમાં ૧૦૦ છગ્ગા મારનાર એડમ ગિલક્રિસ્ટ યાદીમાં ત્રીજા સ્થાને છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા મારવાના મામલે ઋષભ પંત હાલમાં સાતમા સ્થાને છે.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા
બેન સ્ટોક્સ – ૧૩૬ છગ્ગા
બ્રેન્ડન મેક્કુલમ – ૧૦૭ છગ્ગા
એડમ ગિલક્રિસ્ટ – ૧૦૦ છગ્ગા
ટિમ સાઉથી – ૯૮ છગ્ગા
ક્રિસ ગેલ – ૯૮ છગ્ગા
જેક્સ કાલિસ – ૯૭ છગ્ગા
ઋષભ પંત – ૯૪ છગ્ગા












































