ગોંડલથી બગદાણા દર્શનાર્થે ગયેલી એક ખાનગી બસને પરત ફરતી વખતે ગમખ્વાર અકસ્માત નડ્યો છે. ગોંડલના વોરા કોટડા ગામ નજીક વહેલી સવારે બસ પલટી ખાતા ૨ મહિલાઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. કમનસીબે આ અકસ્માતમાં એક જ પરિવારના સાસુ-વહુનું મોત નિપજ્યું છે
પુરષોત્તમ માસ નિમિત્તે ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાંથી રવિવારે વહેલી સવારે ૪.૩૦ વાગ્યે એક ખાનગી બસ જાત્રા માટે બગદાણા, રાજપરા, ઉંચા કોટડા અને ભગુડા સહિતના ધાર્મિક સ્થળો પર જવા રવાના થઈ હતી. દર્શન કરી પરત ફરી રહેલી બસ નંબર જીજે ૧૮ યુ ૯૯૮૫ વહેલી સવારે ૪.૩૦ વાગ્યાની આસપાસ ગોંડલના વોરા કોટડાથી બાંદરા જવાના રોડ પર પહોંચી હતી.
મળતી માહિતી મુજબ, અહીંનો રોડ સિંગલ પટ્ટી હોવાથી સામેથી એક ટ્રક આવી રહ્યો હતો. ટ્રકને સાઇડ આપવા માટે ખાનગી બસના ચાલકે બસ રિવર્સ લીધી હતી, તે જ સમયે બસ પરનો કાબૂ ગુમાવતા બસ રોડથી નીચે ખાડામાં પલટી મારી ગઈ હતી. વહેલી સવારે બનેલી આ ગોઝારી ઘટનાને પગલે મુસાફરોની ચિચિયારીઓથી આખો રોડ ગુંજી ઉઠ્યો હતો. બસમાં વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિત કુલ ૬૨ લોકો સવાર હતા.
આ અકસ્માતમાં ૨ મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં ગોંડલ નગરપાલિકાની ૩ એમ્બ્યુલન્સ, ૧૦૮ની ૪ જેટલી એમ્બ્યુલન્સ, શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
તમામ ઈજાગ્રસ્તોને ગોંડલની સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી ૫ લોકોની હાલત વધુ ગંભીર હોવાથી તેમને વધુ સારવાર અર્થે રાજકોટ અને ગોંડલની ખાનગી હોસ્પીટલમાં રિફર કરવામાં આવ્યા છે.