“આખરી ઉ૫ાય”
જીવનમાં ઘણી વખત એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે માણસને લાગે “હવે કંઈ બાકી નથી પણ હવે તો આ છેલ્લો રસ્તો છે.”પરંતુ હકીકતમાં જીવનમાં “આખરી ઉપાય” એટલે અંત નહીં, પરંતુ નવી શરૂઆતનું દ્વાર હોય છે. ઘણી વખત માણસ સમસ્યાને એટલી મોટી બનાવી દે છે કે તેને ઉકેલ દેખાતો નથી. પરંતુ દરેક અંધારી રાત પછી સવાર આવે જ છે. જરૂર છે તો માત્ર ધીરજ, સમજણ અને સાચી દિશાની.
૧. વિદ્યાર્થીનું ઉદાહરણ
એક વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં નાપાસ થયો.તે ખૂબ નિરાશ થઈ ગયો. તેને લાગ્યું કે હવે જીવન બગડી ગયું. લોકો શું કહેશે? પરિવાર શું વિચારશે ? પરંતુ તેના શિક્ષકે તેને સમજાવ્યું કે “એક પરીક્ષાની હાર આખા જીવનની હાર નથી.” વિદ્યાર્થીએ ફરી મહેનત શરૂ કરી. આગલા વર્ષે તે સારા ગુણ સાથે પાસ થયો,તેનો આત્મવિશ્વાસ વધ્યો,આગળ ખૂબ મહેનત કરી અને આજે એક સફળ અધિકારી છે. જો તે એ સમયે હિંમત હારી જાત, તો કદાચ સફળતા સુધી ક્યારેય પહોંચી શક્યો ન હોત.
૨. ખેડૂતનું ઉદાહરણ
એક ખેડૂતે ખૂબ મોટી જમીન વાવવા રાખી, સતત બે વર્ષ સુધી ઓછા વરસાદના કારણે ખેતીમાં નુકસાનમાં ગયુ. દેવુ વધી ગયુ. ઘરમાં ચિંતા વધી ગઈ. ગામના કેટલાક લોકો કહેતા હતા કે હવે ખેતી છોડવી જોઈએ. પરંતુ ખેડૂતે હિંમત રાખી. નવી પધ્ધતિ અપનાવી, પાણી બચાવવાની રીતો શીખી અને મહેનત ચાલુ રાખી. ત્રીજા વર્ષે સારો પાક થયો અને તેની સ્થિતિ સુધરી ગઈ. આ ઘટનાથી સમજાય છે કે “સમય ખરાબ હોઈ શકે, પરંતુ જીવન ક્યારેય ખતમ થતું નથી.”
૩. સંબંધોમાં તિરાડનું ઉદાહરણ
એક યુવાનને પોતાના નજીકના મિત્ર તરફથી દગો મળ્યો. તે અંદરથી તૂટી ગયો. લોકો પરનો વિશ્વાસ ઓછો થઈ ગયો.
પરંતુ ધીમે ધીમે તેને સમજાયું કે દરેક વ્યક્તિ એકસરખી નથી હોતી.તે પોતાના કામમાં વ્યસ્ત રહ્યો, સારા લોકો સાથે જોડાયો, પાર્ટ ટાઈમ કામ કરીને નાની નાની આવક પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને જીવનમાં આગળ વધ્યો. આજે તે કહે છે “દગો થયો એ દુઃખદ હતું, પણ મને માણસોને ઓળખતા શીખવ્યો.”ઘણી વખત દુઃખ પણ જીવનમાં માર્ગદર્શક શિક્ષક બની જાય છે.બીજી રીતે કુટુંબ,પરિવાર,સગા સબંધી કે સહ કર્મચારી સાથે કામકાજ અને વહેવારને લઈને નાની મોટી ગેરસમજણ ઉભી થતી હોય ત્યારે માણસને મનમાં એવું લાગ્યા કરે કે હવે સામેની વ્યક્તિ સમજે એમ જ નથી એટલે સબંધો તોડી નાખવા સિવાય કોઈ રસ્તો નથી તેવા સંજોગોમાં પણ ટૂંકું વિચારવાને બદલે લાંબા ગાળાનો વિચાર કરીને ધીરજ, જતું કરવાની ભાવના અને વહેવારું સમજણ થકી સંબંધોને બચાવી શકાય છે કેમકે સમસ્યા ક્ષણિક હોય છે પરંતુ સબંધો કાયમી હોય છે.
૪. વેપારીનું ઉદાહરણ
એક વેપારીના કરોડો રૂપિયાના રોકાણનો ધંધો અચાનક બંધ થઈ ગયો. લાખો રૂપિયાનું નુકસાન થયું. પરિવાર અને સમાજ બંને તરફથી દબાણ વધ્યું. તે માણસ થોડા દિવસ ખૂબ હતાશ રહ્યો, પરંતુ પછી તેણે ફરીથી નાની શરૂઆત કરી. ધીમે ધીમે ફરી ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો અને આજે પહેલા કરતાં વધુ સફળ છે. તે હંમેશા કહે છે “નુકસાન ધંધાનું થયું હતું, હિંમતનું નહીં.” જીવનનો સાચો “આખરી ઉપાય” જ્યારે બધાં રસ્તા બંધ લાગે, ત્યારે માણસ પાસે હજી પણ ત્રણ અમૂલ્ય શક્તિઓ રહે છે ;આશા, આત્મવિશ્વાસ અને ધીરજ. આ ત્રણેય શક્તિ માણસને ફરી ઊભો કરી શકે છે. શું કરવું મુશ્કેલ સમયમાં ? ઉતાવળમાં નિર્ણય ન લેવો, પોતાના અંગત માણસો સાથે વાત કરવી, સકારાત્મક વિચાર રાખવો, ભગવાન પર ભરોસો રાખવો અને નિષ્ફળતામાંથી શીખવાનો પ્રયત્ન કરવો.
જીવનમાં કોઈપણ પરિસ્થિતિ “આખરી” નથી હોતી. સમય, સંજોગ અને માણસની હાલાત ત્રણેય બદલાતા રહે છે. આથી મુશ્કેલીઓ આવે ત્યારે મનથી તૂટી જવાનું નહીં, પરંતુ શીખીને ફરી ઊભા થવાનું. કારણ કેપ “વાવાઝોડું વૃક્ષને હલાવી શકે, પરંતુ મજબૂત મૂળને ઉખાડી શકતું નથી.”






































