ઉના શહેર તાલુકાના લોકો આરોગ્યની સુખાકારી માટે રૂ.૪૦ કરોડના ખર્ચે ૧૦૦ બેડની નવી હોસ્પિટલનું નિર્માણ કાર્યનો પ્રારંભ આજે સ્થાનિક સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ઉનાનાં ધારાસભ્ય કાળુભાઈ રાઠોડનાં હસ્તે ખાતમુહુર્ત દ્વારા થયો હતો. ગુજરાત-સૌરાષ્ટ્રનાં સૌથી મોટા તાલુકા પૈકીનાં ઉના તાલુકામાં આર્થિક ગરીબ દર્દીઓ માટે અદ્યતન સુવિધાયુકત હોસ્પિટલ બનાવવા માટે ધારાસભ્ય કે.સી.રાઠોડનાં પ્રયાસોના ભાગરૂપે રાજય સરકાર ધ્વારા જીલ્લા પેટા આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે રૂ.૪૦ કરોડ જેવી માતબર ગ્રાન્ટ ફાળવીને મંજુરી આપેલ હતી. ઉના-વેરાવળ બાયપાસ રોડ પર આવેલ વરસીંગપુર પીકઅપ સ્ટેન્ડ પાછળ ફાળવાયેલ ૫૦ હજાર ચોરસ મીટરમાં ૧૦૦ બેડ સાથે સીટી સ્કેન, આઈસીયુ, બાળકો માટે એસ.એન.સી. યુ, સોનોગ્રાફી સાથેની આધુનિક સુવિધાસભર હોસ્પિટલ બનાવવાનું ખાતમુહુર્ત કરાયું હતું. આ પ્રસંગે ગીર સોમનાથ જીલ્લાના ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.











































