અમરેલી જિલ્લાના અંતરિયાળ એવા વડિયા કુંકાવાવ તાલુકાના ગામડાઓના વિકાસ માટે ‘ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ’ની સ્થાપના કરવામાં આવી છે. જંગર ગામે શ્રી પ્રેમ નારાયણ બાપુના આશીર્વાદ અને દીપ પ્રાગટ્ય સાથે યોજાયેલી બેઠકમાં તાલુકાના આગેવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ટ્રસ્ટમાં તાલુકાના તમામ ગામોના પ્રતિનિધિઓને કારોબારી સભ્ય તરીકે જોડીને સેવા આપવાનો નિર્ધાર કરાયો છે. લોકોમાં એવી અપેક્ષા છે કે આ સંગઠન સંપૂર્ણપણે બિનરાજકીય રહીને, પોતાના મૂળ નીતિ-નિયમોને વળગી રહીને જ લોકહિતના કાર્યો કરશે. હવે આગામી સમયમાં આ ટ્રસ્ટ ગ્રામીણ ઉત્કર્ષ માટે કેવી કામગીરી કરે છે તેના પર સૌની નજર રહેશે.