ડેડાણ અને રાયડી ગામ વચ્ચે ચાલી રહેલા પુલના કામમાં કોન્ટ્રાક્ટરની ગુનાહિત બેદરકારી સામે આવી છે. રોડ પર કોઈપણ પ્રકારના સાઇન બોર્ડ, ડાયવર્ઝન કે રિફ્‌લેક્ટર લગાવ્યા વગરના જીવલેણ ખાડાના કારણે એક મોટરસાયકલ ચાલક યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક પાછળ બેસેલા અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી છે.આ મામલે ઘનશ્યામભાઇ મંગાભાઇ વાળા (ઉ.વ.૨૨)એ રાયડી-ડેડાણ વચ્ચે પુલનો કોન્ટ્રાકટ રાખનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, બે દિવસ પહેલા રાત્રે તેઓ અને
મૃતક બંને મિત્રો બાઈક લઈને પાટી ગામથી ડેડાણ ગામે નાસ્તો કરવા માટે ગયા હતા. ડેડાણ ખાતે નાસ્તો કર્યા બાદ મૃતક યુવક બાઇક ચલાવીને પરત પાટી ગામ તરફ જઈ રહ્યો હતો. બંને મિત્રો જ્યારે ડેડાણથી રાયડી ગામ વચ્ચે પહોંચ્યા, ત્યારે રોડ પર ધૂળ અને માટીના બે નાના કાચા બમ્પ બનાવેલા હતા, જે રાતના અંધારામાં સ્પષ્ટ નજરે પડે તેમ નહોતા.આ બમ્પ ક્રોસ કરીને બાઇક આગળ વધી ત્યારે રોડની વચ્ચે જ માટીનો મોટો ઢગલો હતો અને પુલના કામકાજ અન્વયે મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો.
આ સીધો રોડ હોવાથી ચાલકને આગળ ખાડો હોવાનો કોઈ અંદાજ આવ્યો નહોતો અને બાઇક સીધી જ ખાડામાં ખાબકી ગઈ હતી. આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક યુવકને માથાના તેમજ શરીરના
ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેસેલા ફરિયાદીને નાની-મોટી ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.