શહેરના લસકાણા વિસ્તારમાં ૭ વર્ષથી લિવ-ઇન સંબંધમાં રહેતી પ્રજ્ઞાચક્ષુ મહિલાએ પોતાના પ્રેમી વિજય શર્મા વિરુદ્ધ યૌનશોષણ તેમજ પરિવારની બદનામી કરવાના ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. ફરિયાદના આધારે લસકાણા પોલીસે આરોપી વિજય શર્માની ધરપકડ કરીને તેને લાજપોર જેલમાં મોકલી આપ્યો છે.
મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના ધોલપુર જિલ્લાના રહેવાસી વિજય શર્મા સુરત શહેરમાં રિક્ષા ચલાવી જીવનનિર્વાહ કરે છે. છેલ્લા અંદાજે ૭ વર્ષથી તે લસકાણા વિસ્તારમાં રહેતી પ્રજ્ઞાચક્ષુ મહિલા સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતો હતો. આ અવધિ દરમિયાન મહિલાનું તેમજ તેની ૪ પુત્રીઓનું ભરણપોષણ પણ વિજય શર્મા જ કરતો હોવાની વિગતો સામે આવી છે.
ઘટનાક્રમમાં વળાંક ત્યારે આવ્યો, જ્યારે ગત માર્ચ મહિનામાં સંબંધિત મહિલા પોતાના વતન રાજસ્થાન ગઈ હતી. આ દરમિયાન મહિલાની ૪ પુત્રીઓમાંથી એકને લઈને વિજય શર્મા અને પરિવાર વચ્ચે મતભેદ ઊભો થયો હતો. વિજય શર્માએ મહિલાને ફોન કરીને તાત્કાલિક સુરત પરત આવવા જણાવ્યું હતું, પરંતુ ફોન પરની વાતચીત દરમિયાન બંને વચ્ચે ઉગ્ર તકરાર સર્જાઈ હતી. આ વિવાદ બાદ પરિસ્થિતિ વધુ તંગ બની હતી. જે બાદ મહિલાએ વિજય વિરુદ્ધ રાજસ્થાનમાં જ કેસ નોંધાવ્યો હતો.
મહિલાની પુત્રી અંગે સોશિયલ મીડિયા પર વાંધાજનક ટિપ્પણીઓ પોસ્ટ કરવામાં આવી હોવાના આક્ષેપો થયો છે. આ પોસ્ટ અંગે મહિલાના પરિવારજનોએ ટિપ્પણી કરતા વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો. પરિસ્થિતિ ગંભીર બનતાં મહિલાએ સીધી રાજસ્થાનના ધોલપુર પોલીસ મથકે પહોંચી હતી અને પોતાના પ્રેમી વિજય શર્મા વિરુદ્ધ યૌનશોષણ સહિતની ફરિયાદ નોંધાવી હતી.
સમગ્ર ઘટના અને પક્ષકારો સુરત સાથે જાડાયેલા હોવાથી ધોલપુર પોલીસે આ ફરિયાદની તમામ વિગતો સુરતના લસકાણા પોલીસ મથકે ટ્રાન્સફર કરી હતી. લસકાણા પોલીસને ફરિયાદ મળતાં જ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન મળેલી વિગતોના આધારે પોલીસે આરોપી વિજય શર્માની ધરપકડ કરી હતી. બાદમાં તેને લાજપોર જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.
આ સમગ્ર ઘટનાએ લાંબા સમયથી ચાલી રહેલા લિવ-ઇન સંબંધ, પારિવારિક મતભેદ, સોશિયલ મીડિયા પરની ટિપ્પણીઓ અને કાનૂની કાર્યવાહી જેવા અનેક મુદ્દાઓને કેન્દ્રસ્થાને લાવી દીધા છે. હાલ લસકાણા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીઓ, તેના †ોત, સહિતના પાસાઓની વિગતવાર ચકાસણી કરવામાં આવી રહી છે.








































