બાબરા શહેરમાં જૂની માથાકૂટનો આક્રોશ રાખીને એક પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. પંદર દિવસ પહેલાં થયેલી બોલાચાલીનો ઠપકો આપવા ગયેલા પરિવારના સભ્યો પર આરોપીઓએ એકસંપ થઈને છરી અને લાકડાના ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ મામલે સાત શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે ધારીના દહીડા ગામે રહેતા હેતલબેન વનરાજભાઇ ઘુસામાએ પ્રદિપભાઇ નકુભાઇ બોરીચા, શિવરાજભાઇ દડુભાઇ ખાચર તથા શિવરાજભાઇ દડુભાઇ ખાચરના પત્ની સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેના પિતા સાથે શિવરાજભાઈ ખાચરે આશરે પંદર દિવસ પહેલાં કોઈ બાબતે માથાકૂટ કરી હતી. આ મામલે ફરિયાદી અને તેમની બહેન ઇલાબેન ઠપકો આપવા માટે ગયા હતા. પોતાની જ્ઞાતિ કે ઓળખીતાને ઠપકો આપવો તે આરોપી પ્રદિપભાઈ બોરીચાને ગમ્યું નહોતું અને મનદુઃખ લાગી આવ્યું હતું. આ બાબતની અદાવત રાખીને પ્રદિપભાઈ બોરીચાએ પોતાનું બુલેટ મોટરસાયકલ લઈને તેના ઘર પાસે ધસી આવ્યો હતો. તેણે તેમને ગાળો ભાંડી અચાનક છરી વડે છાતીના ભાગે ઘા ઝીંકી દીધો હતો. આ હુમલો જોઈ તેની બહેન ઇલાબેન વચ્ચે પડતાં આરોપીએ તેમને પણ છરી મારી હાથની આંગળીમાં ઈજા પહોંચાડી હતી. આરોપીએ તેમને અને સાહેદને લાકડાના ધોકા વડે બેફામ માર માર્યો હતો. આ સમયે વચ્ચે બચાવવા આવેલા ઉષાબેનને પણ ધોકો લઈને મારવા દોડી, ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ શીવરાજભાઇ દડુભાઇ ખાચરે રાજુભાઇ ભીખુભાઇ વાળા, સત્યજીતભાઇ રાજુભાઇ વાળા, ભરતભાઇ જીવાભાઇ માંજરીયા, અશોકભાઇ જીવાભાઇ માંજરીયા, ગૌતમભાઇ જીવાભાઇ માંજરીયા, દિગ્વીજયભાઇ ભરતભાઇ માંજરીયા, ઉષાબેન ભરતભાઇ માંજરીયા,ઇલાબેન, હેતલબેન,મનુબેન ભીખુભાઇ વાળા તથા નયનાબેન રાજુભાઇ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ ઈલાબેન અને હેતલબેને તેની દુકાને જઇને પોતાના બાપુજી ભીખુભાઇને પંદરેક દિવસ પહેલાં શું કામ પછાડી દીધા હતા હતા તેમ કહી તેમને તથા પ્રદિપભાઇને ગાળો આપી હતી. પ્રદિપભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉપરાંત તેમને મોઢાના ભાગે લાફા મારી તથા શરીરે ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો.







































