બાબરા તાલુકાના વાવડી ગામે એક અત્યંત કરુણ અને ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક યુવકને તેના પિતાએ ઘરમાં પોપટનું બચ્ચું ન પાળવા બાબતે સામાન્ય ઠપકો આપ્યો હતો. જો કે, આ વાતનું યુવકને અત્યંત માઠું લાગી આવતાં, તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ નાનકડી બાબતમાં યુવકે જિંદગી ટૂંકાવી લેતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવાર શોકતુર બન્યો છે.મળતી માહિતી મુજબ, વાવડી ગામે રહેતા વૈભવ અરવિંદભાઈ કુંવરીયાએ ક્યાંકથી પોપટનું એક નાનું બચ્ચું લાવીને ઘરમાં પાળવા માટે રાખ્યું હતું. આ બાબત તેના પિતા અરવિંદભાઈ ખોડાભાઈ કુંવરીયાને યોગ્ય ન લાગતાં, તેમણે પુત્રને ટોક્યો હતો અને ઘરમાં પોપટનું બચ્ચું ન રાખવા બાબતે ઠપકો આપ્યો હતો. પિતાએ આપેલો આ સામાન્ય ઠપકો યુવક સહન કરી શક્યો નહોતો અને તેને મનમાં અત્યંત લાગી આવ્યું હતું. આવેશમાં આવીને યુવકે ઘરમાં જ ગળાફાંસો ખાઈ લીધો હતો, જેના કારણે તેનું કરુણ મોત નીપજ્યું હતું.
બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ રાહુલ વલ્લભભાઇ સિંધવ આ ફરિયાદ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.







































