રાજકોટ-ભાવનગર હાઇવે રોડ પર ચાવંડ ગામ નજીક કરકોલીયા જવાના રસ્તા પાસે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરપાટ ઝડપે દોડતી એક ફોરવ્હીલ કારના ચાલકે બાઇક સવાર યુવકને પાછળથી જોરદાર ટક્કર મારતાં, ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ મધ્યપ્રદેશના અને હાલ ચાવંડમાં રહેતા અનીતાબેન તેરસિંહ શીંગાડ (ઉ.વ.૩૪)એ ફોરવ્હીલ ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.મળતી વિગતો મુજબ, તેરસિંહભાઈ ચાવંડ ગામના કરકોલીયા રોડ પર આવેલા સોલર પ્લાન્ટથી ચાવંડ ગામે દૂધ લેવા માટે જઈ રહ્યા હતા. તેઓ જ્યારે કરકોલીયા ગામે જવાના રસ્તેથી રાજકોટ-ભાવનગર હાઇવે રોડ ઉપર ચડી રહ્યા હતા, બરાબર તે જ સમયે એક ફોરવ્હીલ કારના ચાલકે તેમને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર વાગતાં જ તેરસિંહભાઈ રોડ પર ફગાયા હતા. તેમને માથાના ભાગે ડાબી બાજુ કપાળ પાસે હેમરેજ જેવી અત્યંત ગંભીર ઈજાઓ થઈ હતી અને શરીરે પણ નાની-મોટી અન્ય ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે લોહીલુહાણ હાલતમાં જ ઘટનાસ્થળે તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.








































