મેટ્રિમોનિયલ વેબસાઈટ ‘શાદી ડોટ કોમ’નો ઉપયોગ કરીને મુંબઈમાં ખાનગી બેંકમાં કાર્યરત એક યુવતી અધિકારી સાથે ૧.૪૨ કરોડથી વધુની વ્યવસ્થિત છેતરપિંડી કરવામાં આવી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. આ કેસમાં આર્થિક શોષણ, ખોટી ઓળખ, જાતીય સતામણી અને ધમકીઓના ગંભીર આરોપો પણ સામેલ છે. ગુજરાતના આરોપીઓની જામીન અરજીઓને મુંબઈની કોર્ટે નકારી કાઢી છે.
પોલીસ ફરિયાદ મુજબ, યુવતીના માતા-પિતાએ તેની પ્રોફાઈલ શાદી ડોટ કોમ પર અપલોડ કરી હતી. નવેમ્બર ૨૦૨૪માં જય બ્રહ્મભટ્ટ નામના વ્યક્તિએ વકીલ તરીકે ખોટી ઓળખ આપીને તેની પ્રોફાઈલમાં રસ દર્શાવ્યો હતો. તેણે પોતાની પાસે કંપની હોવાનો પણ ખોટો દાવો કર્યો હતો. યુવતીની માતાએ તેની સાથે વાત કરીને યુવતીનો સંપર્ક આપ્યો. જયે યુવતી સાથે નિયમિત વાતચીત શરૂ કરી અને લગ્નનો વાયદો પણ કર્યો. વિશ્વાસ જીતાડ્યા બાદ તેણે યુવતીને અમદાવાદ મળવા બોલાવી.
પ્રથમ મુલાકાતમાં જ જય બ્રહ્મભટ્ટે પોતાની માતાને ગિફ્ટ આપવા માટે યુવતી પાસેથી ૧૩,૭૦૦ લીધા. ત્યારબાદ ઈડ્ઢ દ્વારા તેનું બેંક એકાઉન્ટ ફ્રીઝ થયું અને લેપટોપ-મોબાઈલ જપ્ત થયા હોવાનું કહીને સેકન્ડ હેન્ડ મોબાઈલ ખરીદવા માટે ૪૬,૫૯૮ લીધા.આ પછી અમદાવાદમાં મુલાકાત દરમિયાન તેણે યુવતી સાથે શારીરિક અડપલા કર્યા. તેણે યુવતીના ક્રેડિટ કાર્ડમાંથી ૨.૯૯ લાખ અને ૫૧.૮૨ લાખની લોન લઈ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા. આમ વિવિધ રીતે કુલ ૮૩.૪૧ લાખ લીધા, જેમાંથી માત્ર ૫.૪૯ લાખ પરત આપીને ૭૭.૯૨ લાખની ઠગાઈ કરી.જ્યારે યુવતી આ આર્થિક અને માનસિક શોષણથી ડિપ્રેશનમાં સરી પડી ત્યારે જયરાજ ગઢવી (આણંદ) એ શાદી ડોટ કોમ દ્વારા તેનો સંપર્ક કર્યો. તેણે જય બ્રહ્મભટ્ટને ઓળખતો હોવાનું કહીને પૈસા પરત અપાવવાનું આશ્વાસન આપ્યું.
યુવતીને હોટેલમાં બોલાવીને જયરાજ ગઢવીએ તેની સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ છે. તેણે યુવતી પાસેથી ૧.૦૧ કરોડ લીધા અને માત્ર ૩૭.૪૦ લાખ પરત કર્યા, એટલે કે ૬૪ લાખની વધારાની છેતરપિંડી કરી.કુલ મળીને બંને આરોપીઓએ ૧.૪૦ કરોડથી વધુની ઠગાઈ આચરી હોવાનો ફરિયાદી યુવતીનો આક્ષેપ છે.
આ કેસમાં આણંદના જયરાજ ગઢવીએ રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી, જ્યારે જય બ્રહ્મભટ્ટ, અવની બ્રહ્મભટ્ટ, મંથન બ્રહ્મભટ્ટ, વિવેક ગઢવી અને મોનિકા ઓઝાએ આગોતરા (એન્ટિસિપેટરી) જામીન માટે અરજી કરી હતી. યુવતી તરફથી એડવોકેટ માર્મિક શાહે જામીન અરજીનો જારદાર વિરોધ કર્યો હતો. કોર્ટે નોંધ્યું કે આરોપીઓએ મળીભેગા થઈને વ્યવસ્થિત શાદી ડોટ કોમ દ્વારા છેતરપિંડી કરી છે, હજુ નાણાંની રિકવરી બાકી છે અને તપાસ પ્રારંભિક તબક્કામાં છે. આથી તમામ આરોપીઓની જામીન અરજીઓ નામંજૂર કરી દેવામાં આવી છે.