રાજકોટ શહેર તેની ખાણીપીણી અને સ્વાદ માટે ઓળખાય છે, પરંતુ હવે શહેરમાંથી એક ચોંકાવનારો ભેળસેળનો મામલો સામે આવ્યો છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વર્ષો પહેલા લેવામાં આવેલા ખાદ્ય સેમ્પલ હવે કોર્ટના ચુકાદા બાદ ફરી ચર્ચામાં આવ્યા છે.અદાલતે ભેળસેળયુક્ત સંભાર અને ચટણી વેચનાર વેપારીઓ સામે કડક વલણ અપનાવ્યું છે.
આરોગ્ય વિભાગે વર્ષ ૨૦૧૯ દરમિયાન એક ઢોસા સેન્ટરમાંથી સંભારનો નમૂનો લીધો હતો. લેબોરેટરી પાસમાં તેમાં આરોગ્ય માટે હાનિકારક અને પ્રતિબંધિત કલરનો ઉપયોગ થયેલો સામે આવ્યો હતો.કેસની લાંબી સુનાવણી બાદ કોર્ટે સંચાલકને ૬ મહિનાની સખત કેદ અને ૫૦ હજાર દંડની સજા ફટકારી છે.
બીજા એક કેસમાં હોટેલમાંથી લેવામાં આવેલી લસણયુક્ત મરચાંની ચટણીમાં પણ આર્ટિફિશિયલ કલર મળ્યો હતો. તપાસમાં ચટણીમાં ગ્રાહકોને આકર્ષવા માટે બિનઆરોગ્યપ્રદ પદાર્થો વપરાયા હોવાનું સામે આવ્યું હતું.આ કેસમાં અદાલતે હોટેલ સંચાલકને ૬ મહિનાની જેલ સજા અને ૨ લાખનો મોટો દંડ ફટકાર્યો છે.
આ બંને ચુકાદા બાદ શહેરના ભેળસેળિયા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે. આરોગ્ય વિભાગની કાર્યવાહી અને કોર્ટના કડક વલણને કારણે હવે ખાદ્ય સુરક્ષા મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ માટે આ ચુકાદો ચેતવણી સમાન માનવામાં આવી રહ્યો છે.








































