અમરેલી જિલ્લામાં ખેત-ઓજારો અને સિંચાઈના સાધનોની ચોરીના બનાવો વધી રહ્યા છે, ત્યારે અમરેલી તાલુકાના બાબાપુર ગામેથી ડ્રીપ ઈરીગેશન (ટપક પદ્ધતિ) ની પાઈપ લાઈનના ફીંડલાં ચોરી થયાની ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરો વાડીમાંથી આશરે રૂ.૩૫,૦૦૦ની કિંમતનો મુદ્દામાલ ચોરી કરી નાસી છૂટ્યા હતા.આ અંગે વિપુલભાઈ ધનજીભાઈ ગોંડલીયા (ઉ.વ.૫૫)એ અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, બાબાપુર ગામથી ટીંબલા જવાના કાચા રસ્તા પર હેમાંગભાઈ રમેશભાઈ ગોંડલીયાની વાડી આવેલી છે. આ વાડીમાં સિંચાઈ માટે રાખવામાં આવેલા ટપક પદ્ધતિના ડ્રીપ લાઈનના બંડલોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા.આ ચોરીની ઘટના તા. ૦૧/૦૩/૨૦૨૬ થી તા. ૦૮/૦૪/૨૦૨૬ ના સવારના ૯ઃ૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન બની હોવાનું અનુમાન છે. અજાણ્યા શખ્સો વાડીમાંથી ૪૫ જેટલા ડ્રીપ લાઈનના ફીંડલાં ચોરી કરી ગયા છે, જેની બજાર કિંમત આશરે રૂ.૩૫,૦૦૦ જેટલી થાય છે.








































