અમરેલી-ચલાલા રોડ પર સાજીયાવદર ગામના પાટીયાથી દેવરાજીયા ગામ તરફ જતા આશરે એક-દોઢ કિમી દૂર માતાજીની માનતા પૂરી કરવા પગપાળા જઈ રહેલા એક પરિવારને અકસ્માત નડ્‌યો હતો. અકસ્માત સર્જી બાઇક ચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. ખાંભાના ભગવતીપરામાં રહેતા મેહુલભાઇ મનુભાઇ મકવાણાએ મોટરસાયકલ ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તેઓ અને તેમનો પરિવાર ધારીથી રાઢીયા ગામે માતાજીની માનતા પૂરી કરવા માટે ચાલીને જઈ રહ્યા હતા. ગત તા. ૧૩ના રોજ રાત્રિના આશરે ૨ઃ૦૦ થી ૨ઃ૧૫ વાગ્યાના અરસામાં, જ્યારે તેઓ ચલાલા-અમરેલી રોડ પર સાજીયાવદર ગામના પાટીયાથી દેવરાજીયા ગામ તરફ જતા રસ્તે પહોંચ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.પરિવાર જ્યારે ચાલીને જઈ રહ્યો હતો, ત્યારે પાછળથી આવતા હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલના ચાલકે પોતાનું વાહન અત્યંત પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી મેહુલભાઈના ભાઈને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતને કારણે તેમના ભાઈને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ ચાલક મોટરસાઇકલ લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.જે. ગોંડલીયા આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.