સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજે ૫૦૦ કેમેરા લગાવવામાં આવ્યા છે. શહેરના વઢવાણ, જારાવનગર, રતનપુર સહિત તમામ વિસ્તારોમાં ૩૬૦ ડિગ્રીના કેમેરા ફીટ કરવામાં આવ્યા છે, જે સતત શહેર પર નજર રાખી રહ્યા છે.
હવે આ કેમેરાઓના માધ્યમથી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો પર પણ સતત નજર રાખવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર પોલીસ વડાની કચેરીની નીચે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે, જ્યાંથી નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર શહેરી વિસ્તારના સીસીટીવી કેમેરાનું સંચાલન થાય છે.
એક વર્ષના સમયગાળામાં કુલ ૩૪,૫૦૨ વાહનચાલકોને ઓનલાઈન ઈ-ચલણ (મેમો) ફટકારવામાં આવ્યા છે. તેમાં સૌથી વધુ ૮,૬૧૭ વાહનચાલકોને ચાલુ વાહનમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા બદલ ચલણ કાપવામાં આવ્યા છે અને તેમના ઘર સુધી મેમો પહોંચાડવામાં આવ્યા છે.
ઉપરાંત ઓવરસ્પીડ, કારમાં બ્લેક ફિલ્મ લગાવવી, હેલ્મેટ વગર વાહન ચલાવવું, સીટબેલ્ટ ન પહેરવો, ફેન્સી નંબર પ્લેટ લગાવવી, ડ્રાઈવર સીટ પર પેસેન્જર બેસાડવા, ત્રણ સવારીએ મોટરસાયકલ ચલાવવી વગેરે જુદા-જુદા પ્રકારના ઈ-ચલણો વાહનચાલકોના ઘર સુધી પહોંચાડવામાં આવ્યા છે.
શહેરી વિસ્તારોમાંથી પસાર થતા વાહનચાલકો પર બાજની નજર રાખીને કુલ ૩૪,૫૦૨ મેમો કાપવામાં આવ્યા છે અને રૂ. ૨ કરોડ ૫૧ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
કેસનો પ્રકાર સંખ્યાઃ મોબાઈલનો ઉપયોગ ૮૬૧૭,ઓવર સ્પીડ ૫૦૩૧, બ્લેક ફિલ્મ ૯૨૨, હેલ્મેટ વગર ૫૩૮૮, સીટબેલ્ટ ન પહેરવો ૫૨૬૮, ફેન્સી નંબર પ્લેટ ૭૪૧,ત્રણ સવારી ૬૮૮૮,ભયજનક ડ્રાઇવિંગ ૧૦, પા‹કગ નિયમ ભંગ ૧૭૮,પીયુસી (પ્રદૂષણ) સર્ટિફિકેટ ન હોવું ૧૨૩, ફૂટપાથ પર વાહન ચલાવવું ૬૮,વીમા વગર વાહન ચલાવવું ૧૫,અન્ય ૩૫,કુલ ૩૪૫૦૨
સુરેન્દ્રનગર ડીવાયએસપી પાર્થ પરમારે કહ્યું હતું કે “ઓનલાઈન મેમો ફટકાર્યા બાદ તેની ચુકવણી ન કરનાર વાહનચાલકો સામે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. એક વર્ષમાં ૩૪,૫૦૨ વાહનચાલકોને ઈ-ચલણ કાપવામાં આવ્યા છે. આ પગલાંથી અકસ્માતોમાં ઘટાડો થાય અને વાહનચાલકો નિયમોનું પાલન કરે તેવા પ્રયાસ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આખા અભિયાનમાં રૂ. ૨ કરોડ ૫૧ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાંથી રૂ. ૧ કરોડ ૪૦ લાખની વસૂલાત કરવામાં આવી છે.
તેમ છતાં હજુ પણ અનેક વાહનચાલકો દંડ ભરવા તૈયાર નથી. નોટિસ આપવા છતાં દંડ ન ભરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. વારંવાર ઉલ્લંઘન કરનારાઓનું ડ્રાઇવિંગ લાઇસન્સ જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરવાની તૈયારી પોલીસ વિભાગે શરૂ કરી છે.