સાવરકુંડલાના વોર્ડ નંબર ૬ માં મંજૂર થયેલા ‘આઇકોનિક રોડ’ના નિર્માણમાં થઈ રહેલો અસાધારણ વિલંબ હવે રહીશો માટે માથાનો દુખાવો બન્યો છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા હજુ સુધી વર્ક ઓર્ડર આપવામાં ન આવતા સ્થાનિક નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતાએ ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરી છે. ખાસ કરીને સંસ્કાર મંદિરથી માલધારી ચોક અને કપોળ છાત્રાલયથી કાણકીયા કોલેજ સુધીના માર્ગો બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા છે. જો આગામી ચોમાસા પૂર્વે આ રસ્તાઓનું કામ યુધ્ધના ધોરણે શરૂ કરવામાં નહીં આવે તો રહીશોની હાલાકી અસહ્ય બની જશે. તંત્રની આ નિંભરતા સામે હવે જનતામાં પણ ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.







































