બકો અને બેરાલાલ માથું ખંજવાળી રહ્યા હતાં. આ જોઈને અભણ અમથાલાલને લાગ્યું કે, ચૂંટણીના પરિણામ તો આવવાં જોઈએ એમ જ આવ્યાં છે. તો પછી આ બકાને અને બેરાલાલને ઝટકો કેમ લાગ્યો? કોઈ ફુગ્ગાને હવા ભરીને મોટો કરે, એટલે એ થોડો જ હવા મહેલ બની જાય? શિયાળને વાઘનું ચામડું પહેરાવી દેવાથી એ થોડો વાઘ બની જાય??
પરિણામો ચોંકાવનારાં નથી આવ્યાં. મુંગેરીલાલ કે હસીન સપને. જેમ દિવસે સપનાં જોવાં વાળાની હવાઈ યાત્રા હવે જમીન ઉપર લેન્ડ થઈ ગઈ છે.
છતાંય અમથાલાલે પુછવા ખાતર પુછ્યું.
‘‘બેરાલાલ! કાંઈ મૂંઝવણમાં છો? આમ હોગિયુ મોઢું કરીને કેમ બેઠાં છો? કોઈ નજીકનું તો ગુજરી ગયું નથી ને!??’’
બેરાલાલ અને બકાને થયું, કોઈ નજીકનું તો શું આઘે આઘે’ય કોઈ ગુજરી ગયું નથી. હાત હાત જણાં વયા ગ્યા ઈ તો ગુજરી ગયાં નો કેવાય!! એમ જીવતાં માણસો? ને થોડાં મારી નંખાય? ઈ તો ખરેખર જીવતાં થયાં કે’વાય! એનાં
( કેરીયરમાં )પણ, મોઢું હોગિયુ છે. ઈ વાતે’ય પાક્કી છે. શું કરવું, શું કરવું?? મોઢાંને ક્યાં છુપાવવું? કોની આગળ છુપાવવું? એવો હવે કોઈ જણ તો બાકી હોવો જોઈએ ને !?
અને હજી તો અમથાલાલ જ છે. હજી બનેવીલાલે’ય આવશે. શું જવાબ આપવો? કેમ વાત કરવી ઈ હવે મોવડી મંડળને થોડું જ પુછાય!? કારણ કે, ઈય આપણી કરતાં’ય વધારે ગમમાં હશે. પણ, એને તો દિલ્હીમાં બેઠાં બેઠાં ગમ દૂર કરવાનો મોંકો’ય મળે છે. આપણે તો ગુજરાતમાં આવી ‘ય સગવડ નથી.કવર તો બનાવ્યાં. પણ, ઈ તો ઈ જ હોં. એની હારે કોઈ નો આવે.(શંકરસિંહ બાપુ કહી કહીને થાક્યાં. પણ, ઘરડાનું હવે સાંભળે કોણ?)
શું કરવું? શું કરવું?? ત્યાં બનેવીલાલનો અવાજ સંભળાયો.
‘‘એ..લા..આ..!બેરાલાલ !? ચૂંટણી એક રાજ રમત છે. એનું મન ઉપર ના લેવાય! એમાં હાર જીત તો હાલ્યા કરે. ઉપરથી આવેલ ફંડ જો વધ્યું હોય ને તો બે ચાર બોરી ઘઉં ભરી દેજો. ખાવાં થાહે. અને દીવ બીવ જાતાં નહીં. ન્યા બોવ ભીડ ભેગી ભરાણી છે. અહીં આજુબાજુમાં કો કને રોકડી કરાવી દેજો.નવું હવાર તો પડવાનું જ છે. પણ, એક વણમાંગી સલાહ આપું? અમારાં જેવાં અનુભવીનું માને છે કોણ? અમે કહી કહીને થાક્યાં. કે હૂરજ હામે નો થૂંકાય. હૂરજને કાંઈ ફેર નો પડે. થૂંકેલું આપણાં મોઢાં ઉપર જ આવે. પણ માને કોણ!? ઝાંઝવાનાં જળ જેવી વાતો તમને મીઠી વીરડી જેવી લાગતી હતી.’’
‘‘ઢબનેવીલાલ! હવે તમેય ઘા ઉપર મીઠું ભભરાવશો? કે આશ્વાસનના બે શબ્દો કહેશો!?
કહેવામાં કોઈએ બાકી રાખ્યું નથી. હંભળાવવાનું હતું એનાં કરતાં દસ ગણું કરીને હંભળાવી દીધું છે.
અમારી મતી જ મારી ગઈ હતી કે, અમે એમની વાતોમાં આવી ગયાં. પણ, હવે અમને ખબર પડી ગઈ છે કે, કોણ કોણ આપડા છે? અને કોણ પારકાં.’’
‘‘ઠીક ઠીક, સવારે ભૂલો પડેલો સાંજે ઘરે પાછો આવે તો એમને ભૂલો પડેલો ગણતાં નથી. પણ, મને એ તો કહો કે તમે લગનનાં ઘોડા હતાં કે રેસનાં ?’’
‘‘અરે બનેવીલાલ! તમે સમજયા નહીં. અમે એકેય ઘોડા નહોતાં. ઘોડા હોત તો તો ક્યારેક ક્યારેક કોઈ લગનમાં ‘ય બરકત. અને થોડીઘણી આવકેય થાત.પણ.. !!?’’
‘‘તો તમે ઘોડા નહોતાં, તો શું ગધેડા હતાં!??’’
‘‘ના..ના..ના.! હાવ ગધેડા તો ના ગણાય. પણ.. હવે મારે તમને કેમ સમજાવવું કે.. અમે કોણ હતાં!??’’
‘‘બેરાલાલ, બકા ! આમાં તમારો વાંક નથી. સારા સારા ઘોડા ‘ય દોડી હકયા નથી. લડાઈમાં જેમ માથાં વધેરાઈ જાય, એમ અહીં સારા સારા નામ ભૂહાંઈ ગયાં છે. મોટાં મોટાં બણગાં ફૂંકતાં હતાં. એમનાં ‘ય ભૂંગળા બેવડ વળી ગયાં છે. એમાં તમારી ગાજરની પીપુડી કોણ હાંભળે?’
‘‘સાચી વાત છે તમારી. અમારે આ ચાળે ચડવાની જરૂર નોંતી. અમે કડિયાકામ કરતાં ‘તા ઈ બરોબર હતું. આ ચૂંટણીના ચાળે નો ચડાય હોં.!!’
‘‘બેરાલાલ,બકા ! મને ઈ નથી સમજાતું કે, જીતેલાં ઉમેદવારો તો મિટિંગો કરશે, સેવા કરશે , મલાઈ ખાશે? મતલબ મલાઈ વાળા ગોલા ખાશે.
પણ, આ હારેલા ઉમેદવારો શું કરશે ?’
‘ઈ જ તો મોટો પ્રશ્ન છે. બનેવી લાલ ! હવે અમારે પાંચ વરહ કરવું શું?? ઉપરથી હવે પૈસા થોડાં જ આવ્યાં કરશે.’
‘‘એક પોલીસવાળાએ કર્યું હતું ઈ કામ કરજો. બીજું શું!!’’
‘‘પોલીસવાળાએ? એમણે વળી એવું તે શું કર્યુ??’’
‘‘ઉત્તર પ્રદેશનાં, બસ્તી જિલ્લામાં ,સોનહા પોલીસ સ્ટેશન આવેલું છે. એમાં એક વિચિત્ર ઘટનાં ઘટી. આમ તો પોલીસ સ્ટેશનમાં રોજ સામાન્ય માણસ માટે ફરિયાદ આવતી હોય છે. પણ, એક દિવસ આ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઉપર જ ફરિયાદ થઈ. ’’
‘‘આ તો નવું કેવાય! પોલીસ ઉપર અને એ પણ ફરિયાદ? કોણે કરી ફરિયાદ??’’
‘‘પોલીસવાળાની પત્નીએ. ’’
‘‘પણ શા માટે? હું કરવાં??’’
‘‘એક પોલીસવાળાના પંડમાં ચૂંટણી માતાજી આવ્યાં. કહે તૂં ચૂંટણી લડ. તૂં જીતી જઈશ. અને
પોલીસવાળાએ રાજીનામું આપી દીધું. પણ, ચૂંટણીમાં લગ્નનો ઘોડો સાબિત થયો. હવે શું કરવું?
ચૂંટણી પહેલાં વાસણ તો એ ઘસતો જ હતો. હવે કચરાં પોતાં ‘ય માથે આવ્યાં.
એક દિવસ સાંજે પત્ની રસોઈઘરમાં ગઈ. તો બપોરનાં વાસણ એમ જ પડ્યાં હતાં. પતિએ ચૂંટણી પછી વાસણ ઘસવાની ના પાડી દીધી. (ઉમેદવાર વાસણ નો ઘસે)પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી.
હારેલાં ઉમેદવારોથી આ કામ થાંહે..!??’’
kalubhaibhad123@gmail.com











































