ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી એક મોટો બદલાવ જાવા મળી રહ્યો છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ પોતાની પારંપરિક રણનીતિમાં ફેરફાર કરીને લઘુમતી સમુદાયને પોતાની સાથે જાડવાનો પ્રયાસ તેજ કર્યો છે. જેના ભાગરૂપે ભાજપે વર્ષ ૨૦૨૬ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે આ બદલાતી રણનીતિના ભાગરૂપે મુસ્લિમ દાવેદારોને મોટી સંખ્યામાં પ્રાધાન્ય આપ્યું હતું. આ પ્રયોગના પરિણામો હવે સામે આવ્યા છે, જે મિશ્ર પ્રતિસાદ અને રસપ્રદ આંકડાઓ રજૂ કરે છે.
ભાજપે આ ચૂંટણીમાં મુસ્લિમ સમુદાયના કુલ ૨૭૭ ઉમેદવારોને મેન્ડેટ આપીને મેદાનમાં ઉતાર્યા હતા. આ એક મોટો આંકડો ગણાય છે, જે દર્શાવે છે કે ભાજપ હવે સૌનો સાથ, સૌનો વિકાસના મંત્રને જમીની સ્તરે અમલમાં મૂકવા માંગે છે. આ ૨૭૭ દાવેદારોમાંથી ૧૧૮ ઉમેદવારોએ વિજય પતાકા લહેરાવી છે, જ્યારે ૧૫૯ ઉમેદવારોને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
જિલ્લાવાર વિજય અને પરાજયનું વિશ્લેષણ અંગે જિલ્લાવાર પરિણામો પર નજર કરીએ તો, કચ્છ જિલ્લામાં ભાજપને સૌથી વધુ સફળતા મળી હોય તેવું જણાય છે, જ્યાં ૨૦ મુસ્લિમ ઉમેદવારો વિજેતા બન્યા છે, જાકે અહીં ૨૮ ઉમેદવારો હાર્યા પણ છે. જ્યારે ગીર સોમનાથમાં ભાજપનું પ્રદર્શન શાનદાર રહ્યું છે, જ્યાં ૧૧ ઉમેદવારો જીત્યા છે અને માત્ર ૫ની હાર થઈ છે. જ્યારે ખેડા અને આણંદ જિલ્લામાં પણ ભાજપે મુસ્લિમ કાર્ડ રમીને ક્રમશઃ ૯-૯ બેઠકો પર જીત મેળવી છે. જાકે, આણંદમાં ૧૬ બેઠકો પર હાર પણ નોંધાઈ છે.
રાજ્યના મોટા શહેરોની વાત કરીએ તો, અમદાવાદમાં ૭ મુસ્લિમ ઉમેદવારો જીત્યા છે અને ૮ હાર્યા છે. સુરતમાં ૪ વિજેતા અને ૭ હાર, જ્યારે રાજકોટમાં ૩ ઉમેદવારો વિજેતા બન્યા છે. વડોદરામાં પરિણામ થોડું ચિંતાજનક રહ્યું છે, જ્યાં ૬ ઉમેદવારોની જીત સામે ૧૫ ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો છે. જામનગર જિલ્લામાં પણ ૧૫ ઉમેદવારો હાર્યા છે અને ૪ વિજેતા થયા છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં કાંટાની ટક્કર જાવા મળી હતી, જ્યાં ૭ ઉમેદવારો જીત્યા અને ૭ હાર્યા છે. તો પાટણમાં ૪ જીત્યા અને ૪ હાર્યા છે.
આ તરફ બનાસકાંઠામાં ૧ જીત સામે ૧૫ ઉમેદવારોની હાર ભાજપ માટે વિચારવાનો વિષય છે. તો બીજી તરફ, દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં ૫ વિજેતા અને વલસાડમાં ૨ વિજેતા ઉમેદવારો સાથે ભાજપે મજબૂત પકડ જાળવી છે. તાપી અને વ્યારા પણ ભાજપે ૧-૧ બેઠક પર જીત મેળવી છે. ભાજપની આ બદલાતી રણનીતિ એ સાબિત કર્યું છે કે લઘુમતી સમુદાયમાં ભાજપ પ્રત્યેનો વિશ્વાસ ધીરે ધીરે વધી રહ્યો છે, પરંતુ હજુ પણ ઘણા વિસ્તારોમાં પક્ષે વધુ મહેનત કરવાની જરૂર છે. ૧૧૮ બેઠકો પર મળેલી જીત એ ભાજપ માટે પ્રોત્સાહક છે, જે આગામી મોટી ચૂંટણીઓમાં મુસ્લિમ ઉમેદવારોની પસંદગી માટે નવો પથ પ્રશસ્ત કરી શકે છે.