રાજકોટ જિલ્લાના જેતપુરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જૂનાગઢ આણંદ રૂટની એસટી બસમાં એક યુવતીની છેડતી થઈ હતી. યુવતી અને બસવાળાનો આરોપ છે કે યુવાન નશાની હાલતમાં બસમાં ચઢ્યો હતો. તે નશાખોર શખ્સે યુવતી સાથે અભદ્ર વર્તન અને અપશબ્દો બોલતા મામલો ગરમાયો હતો. જાકે, જેતપુર પોલીસે ત્યાં આવીને યુવાનની અટકાયત કરી લીધી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, જૂનાગઢ આણંદ રૂટની એસટી બસમાં નશામાં ધૂત મુસાફરે હાઈવોલ્ટેજ ડ્રામા કર્યો હતો. એક યુવાને બસમાં મુસાફરી કરી રહેલી યુવતીની છેડતી કરી હતી. યુવાને યુવતી અને તેની માતા સાથે ગાળાગાળી કરતા હોબાળો મચ્યો હતો. બસમાં નશાની હાલતમાં એક વ્યક્તિએ યુવતીની છેડતીનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. યુવાન આટલેથી જ ન અટકતા યુવતીના માતા અને બસના કંડક્ટર સાથે શખ્સે ઝપાઝપી કરી હતી. નશામાં ધૂત શખ્સે બસને રસ્તા વચ્ચે રોકાવી અન્ય મુસાફરોને પણ હેરાન કર્યા હતા.
એસ.ટી બસના કંડક્ટર, પ્રકાશ ગાલેરીયાએ આ અંગે જણાવ્યું હતું કે, “જૂનાગઢથી અમે નિર્ધારિત સમયે જૂનાગઢ-આણંદ રૂટની બસ લઈને નીકળ્યા હતા. બસમાં બુકિંગ પ્રમાણે બધા મુસાફરો ચઢી ગયા હતા. મજેવડી દરવાજાનું સ્ટોપ આવતા ત્યાંથી પણ મુસાફરો ચઢ્યા હતા. એક મુસાફરનો મહિલા મુસાફર સાથે ઝઘડો થયો હતો. જે બાદ મેં ભાઈને સમજાવ્યા હતા કે તમે શાંતિથી બેસી જાઓ. થોડીવાર પછી ફરી ઊભા થયા અને બહેન સાથે ફરી ઝઘડો કરવા લાગ્યા હતા. જેથી બહેને મારા મોબાઈલમાંથી પોલીસને ફોન કર્યો. પોલીસ આવીને એ ભાઈને લઈ ગઈ હતી. આગળની કાર્યવાહી પોલીસ કરે છે.”
યુવતીના માતાએ આ અંગે જણાવ્યું છે કે, “આગળની સીટ પર ભાઈ જૂનાગઢથી દારૂ પીને બેઠો હતો. પછી તેણે મારી છોકરીને ઈશારા કર્યા અને મારી સીટ પર આવ્યો અને મારી છોકરી પાસે પડ્યો અને ગાળો બોલવા લાગ્યો. જે બાદ મેં લાફા મારી ત્યાંથી ભગાડ્યો. તેણે બસ રોકીને બસની આગળ ઊભો રહી ગયો અને બસ ચાલવા ન દીધી. જેથી તેણે ફરી બસમાં બેસાડ્યો. પછી અમે ૧૧૨માં ફોન કર્યો તો સામે જ જેતપુર પોલીસની વાન આવી ગઈ હતી.”