સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કચ્છ જિલ્લામાં કોંગ્રેસ પક્ષમાં આંતરિક મતભેદો સપાટી પર આવી રહ્યા છે. ખાસ કરીને ગાંધીધામ મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને ટિકિટ વહેંચણી બાબતે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.
પૂર્વ કચ્છ યુવા કોંગ્રેસના પ્રમુખ મુસ્તાક સોઢાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે તીવ્ર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે જિલ્લા પ્રમુખ પક્ષની વિચારધારાથી વિપરીત જઈને કામ કરી રહ્યા છે અને તેઓ ભાજપની “બી ટીમ” તરીકે કાર્ય કરી રહ્યા હોવાના સંકેતો આપે છે.
મુસ્તાક સોઢાના જણાવ્યા મુજબ, ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણીમાં યુથ કોંગ્રેસના કાર્યકરોને સંપૂર્ણ રીતે અવગણવામાં આવ્યા છે. “યુવા કાર્યકરો વર્ષોથી પાર્ટી માટે મહેનત કરી રહ્યા છે, છતાં એક પણ ટિકિટ યુથ કોંગ્રેસમાંથી આપવામાં આવી નથી,” એમ તેમણે આક્ષેપ કર્યો.
તેમણે વધુમાં જણાવ્યું કે ટિકિટ વહેંચણીમાં પારદર્શિતાનો અભાવ છે અને પસંદગીમાં સ્થાનિક નેતાઓ અને કાર્યકરોની અવાજને અવગણવામાં આવ્યો છે. આ મુદ્દે તેઓએ પક્ષના ઉચ્ચ નેતૃત્વને પણ અવગત કરાવવાનો સંકેત આપ્યો છે.
આક્ષેપોના કારણે કોંગ્રેસમાં આંતરિક અસંતોષ વધવાની શક્યતા છે. જે ચૂંટણી પરિણામો પર પણ અસર કરી શકે છે. બીજી તરફ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરફથી આ આક્ષેપોને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ આપવામાં આવ્યો નથી. આ સમગ્ર મામલો હવે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે અને આવનારા દિવસોમાં પક્ષની અંદરની રાજનીતિ વધુ ગરમાવાનીશક્યતા છે.





































