અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી અને મહામંત્રીઓ દ્વારા જિલ્લાના ૧૭ મંડળો પર દાવેદાર કાર્યકરોને સાંભળવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયા અંતર્ગત ૬ નગરપાલિકાની ૧૮૪ બઠકો, ૧૧ તાલુકા પંચાયતની ૧૯૦ અને અમરેલી જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો માટે ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોની સેન્સ લેવામાં આવશે.આગામી તારીખ ૦૨ અને ૦૩ એપ્રિલના રોજ પ્રદેશ ભાજપના નિરીક્ષકો ત્રણ અલગ-અલગ જૂથમાં વહેંચાઈને દાવેદારોને સાંભળશે. આ માટે ત્રણ મુખ્ય કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં જૂથ-૦૧ ની પ્રક્રિયા જિલ્લા ભાજપ કાર્યાલય (અમરેલી), જૂથ-૦૨ની ગાંધી ધર્મશાળા (સાવરકુંડલા) અને જૂથ-૦૩ ની પ્રક્રિયા બ્રહ્મ સમાજની વાડી (ધારી) ખાતે યોજાશે. નિરીક્ષકો તરીકે જગદીશભાઈ ભાવસાર, ડા. માયાબેન કોડનાની, દિનેશભાઈ અનાવાડીયા, મીનાક્ષીબેન પટેલ, બિજલબેન પટેલ અને પ્રદિપસિંહ રાઠોડ સહિતના વરિષ્ઠ આગેવાનો દાવેદારોની રજૂઆતો સાંભળશે.નક્કી કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ, બંને દિવસોમાં સવારના ૦૯ઃ૦૦ કલાકથી મોડી સાંજ સુધી અલગ-અલગ તાલુકા અને શહેર મંડળોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. જિલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ વિપુલ ભટ્ટીના જણાવ્યા અનુસાર, ચૂંટણી લડવા ઈચ્છતા તમામ દાવેદારોએ પક્ષ દ્વારા નિર્ધારિત કરેલા જરૂરી આધાર પુરાવા સાથે કોષ્ટકમાં દર્શાવેલ નિયત સ્થળ અને સમયે ઉપસ્થિત રહેવાનું રહેશે.









































