અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ પોલીસે છેલ્લા ત્રણ માસમાં ગુનેગારો સામે લાલ આંખ કરી એક મોટી સફળતા મેળવી છે. જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૬ દરમિયાન ચલાવવામાં આવેલા ખાસ અભિયાન અંતર્ગત પેરોલ જમ્પ કરનાર અને વોન્ટેડ એવા કુલ ૨૩ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસની આ કાર્યવાહી માત્ર ગુજરાત પૂરતી મર્યાદિત ન રહેતા રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિશા અને પંજાબ જેવા અન્ય રાજ્યો સુધી વિસ્તરી હતી. આ ગુનેગારો લાંબા સમયથી પોલીસને થાપ આપી રહ્યા હતા, જેમાં કેટલાક આરોપીઓ તો છેલ્લા ૧૬ વર્ષથી ફરાર હતા. ખાસ કરીને ૧૯૯૮ના એક જૂના કેસમાં છેલ્લા ૨૭ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડીને અમરેલી પોલીસે પોતાની કાર્યક્ષમતાનો પરિચય આપ્યો છે. પકડાયેલા આ ગુનેગારો વિરુધ્ધ આઈ.પી.સી., બી.એન.એસ. તેમજ એન.ડી.પી.એસ. અને પોક્સો જેવા ગંભીર કાયદાઓ હેઠળ ગુનાઓ નોંધાયેલા હતા. આ યાદીમાં એવા પણ ગુનેગારો સામેલ હતા જેમના પર સરકારે ઇનામ જાહેર કર્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે કેટલાક વોન્ટેડ આરોપીઓ કુદરતી રીતે મૃત્યુ પામ્યા છે, જેના પગલે કાયદેસરની પ્રક્રિયા બાદ તેમના નામ રેકોર્ડ પરથી કમી કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર ઓપરેશનને સફળ બનાવવા માટે પેરોલ ફોલો સ્ક્વોડ, એલ.સી.બી.,એ.એચ.ટી.યુ. અને સ્થાનિક પોલીસની ટીમોએ આધુનિક ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સુમેળ સાધીને ગુનેગારોનું ચોક્કસ પગેરું મેળવ્યું હતું. આ કડક કાર્યવાહીથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનશે અને ગુનેગારોમાં પોલીસનો ફફડાટ વ્યાપી ગયો છે.








































