ઈરાનના યુએન રાજદૂત, અમીર-સઈદ ઇરાવાનીએ આરોપ લગાવ્યો છે કે ઇઝરાયલી સરકારે લેબનોનની રાજધાની બેરૂતમાં ચાર વરિષ્ઠ ઈરાની રાજદ્વારીઓની હત્યા કરી. તેમણે તેને એક જઘન્ય ગુનો ગણાવ્યો. યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસને લખેલા પત્રમાં, રાજદૂતે જણાવ્યું હતું કે ઇઝરાયલે ૮ માર્ચે રામાડા હોટેલ પર લક્ષ્યાંકિત હુમલો કર્યો હતો, જેમાં રાજદ્વારીઓ માર્યા ગયા હતા. તેમણે ઉમેર્યું હતું કે આઇડીએફે અગાઉ જાહેરમાં ઈરાની અધિકારીઓને નિશાન બનાવવાની ધમકી આપી હતી, તેથી સુરક્ષા કારણોસર રાજદ્વારીઓને અસ્થાયી રૂપે હોટેલમાં રાખવામાં આવ્યા હતા.
ઈરાની રાજદૂતે પત્રમાં જણાવ્યું હતું કે રાજદ્વારીઓની હત્યા જ્યારે તેઓ એક સાર્વભૌમ રાજ્યના સત્તાવાર પ્રતિનિધિ તરીકે બીજા સાર્વભૌમ રાજ્યના પ્રદેશમાં સેવા આપી રહ્યા હતા ત્યારે આતંકવાદનું ઘૃણાસ્પદ કૃત્ય અને આંતરરાષ્ટ્રીય  કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ યુએન ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય  સ્તરે સુરક્ષિત વ્યકિતઓના રક્ષણ પર ૧૯૭૩ ના સંમેલનનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે, જેને અવગણી શકાય નહીં.
ઈરાનના યુએન રાજદૂતે આરોપ લગાવ્યો કે યુએસ અને ઇઝરાયલ ઇરાદાપૂર્વક નાગરિકો અને નાગરિક માળખાને નિશાન બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ ઇરાદાપૂર્વક અને ભેદભાવપૂર્વક મારા દેશના નાગરિકો અને નાગરિક માળખા પર હુમલો કરી રહ્યા છે. અત્યાર સુધીમાં, આ ગુનાઓમાં ૧,૩૦૦ થી વધુ નાગરિકો શહીદ થયા છે. ૯,૬૬૯ નાગરિક સ્થળોને નુકસાન થયું છે, જેમાં ૭,૯૪૩ રહેણાંક ઘરો, ૧,૬૧૭ વ્યાપારી કેન્દ્રો, ૩૨ તબીબી કેન્દ્રો, ૬૫ શાળાઓ અને ૧૩ રેડ ક્રોસ ઇમારતોનો સમાવેશ થાય છે.
ઈરાની રાજદૂતે કહ્યું કે બળતણ સંગ્રહ સ્થળો પરના હુમલાથી હવામાં ઝેરી પ્રદૂષકો છોડાયા. તેમણે કહ્યું, “૭ માર્ચની રાત્રે, આક્રમક વિમાનોએ બળતણ સંગ્રહ સ્થળો પર મોટો હુમલો કર્યો. વિસ્ફોટોથી હવામાં ઝેરી પદાર્થો છોડાયા. ૮ માર્ચની સવારે વરસાદે આ પ્રદૂષકોને વધુ વિખેરી નાખ્યા, જેના કારણે ગંભીર શ્વસન સમસ્યાઓ થઈ અને પર્યાવરણીય જાખમો વધ્યા.” ઈરાની રાજદૂતે યુએનને કાર્યવાહી માટે અપીલ કરતા કહ્યું, “જા આજે ઈરાનને નિશાન બનાવવામાં આવ્યું છે, તો કાલે તે કોઈ અન્ય દેશ હોઈ શકે છે. સુરક્ષા પરિષદનું મૌન ખૂબ જ ચિંતાજનક છે. આંતરરાષ્ટ્રીય  સમુદાયે આ રક્તપાત રોકવા માટે તાત્કાલિક પગલાં લેવા જાઈએ.”