જૂનાગઢમાં આગામી મહાશિવરાત્રીના મિની કુંભ મેળાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ છે. આ મેળામાં આવતા લાખો ભક્તો માટે ગિરનાર રોપ-વે મેનેજમેન્ટે એક ખૂબ જ મહત્વનો અને આનંદદાયક નિર્ણય લીધો છે. ગિરનાર મહાદેવના દર્શન વધુ સરળ અને સસ્તા બને તે હેતુથી રોપ-વેની ટિકિટના દરમાં રૂ. ૬૯નો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે.
ગિરનાર રોપ-વે મેનેજમેન્ટ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, અત્યાર સુધી જે ટિકિટનો દર રૂ. ૬૯૯ હતો, તે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ઘટાડીને માત્ર રૂ. ૬૩૦ કરવામાં આવ્યો છે. આ રાહત દરનો લાભ ભક્તોને ૧૧ ફેબ્રુઆરીથી ૧૫ ફેબ્રુઆરી સુધી, એમ કુલ પાંચ દિવસ માટે મળશે. ટિકિટના દરમાં આ ઘટાડાથી ખાસ કરીને બાળકો અને વૃદ્ધો સાથે આવતા મધ્યમવર્ગીય પરિવારોના ખિસ્સા પરનો બોજ ઘટશે.
મહાશિવરાત્રીના મેળા દરમિયાન લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. ગિરનારની કઠિન સીડીઓ ચઢવામાં અસમર્થ શ્રદ્ધાળુઓ માટે રોપ-વે આશીર્વાદ સમાન છે. માત્ર ૧૦ મિનિટમાં તળેટીથી અંબાજી મંદિર સુધી પહોંચાડતી આ સફર પ્રવાસીઓ માટે રોમાંચક બની રહેશે. પ્રકૃતિ અને પરમેશ્વરનો અદભૂત સમન્વય માણવા આવતા ભક્તોમાં આ નિર્ણયથી ખુશીની લહેર જાવા મળી રહી છે.
ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ ભારતનો સૌથી ઝડપી રોપ-વે છે, જે પ્રતિ સેકન્ડે ૬ મીટરની ઝડપ ધરાવે છે. આ પ્રોજેક્ટની ક્ષમતા એક કલાકમાં આશરે ૮૦૦ મુસાફરોને લઈ જવાની છે, જેમાં હાલ ૨૪ ટ્રોલી કાર્યરત છે અને એક ટ્રોલીમાં ૮ લોકો બેસી શકે છે. ૨.૩ કિલોમીટર લાંબા આ રૂટમાં કુલ ૯ ટાવર લગાવવામાં આવ્યા છે, જેમાં ૬ નંબરનો ટાવર ૬૭ મીટરની ઊંચાઈ સાથે સૌથી ઊંચો ટાવર છે. ખાસ કરીને ગિરનાર પર ફૂંકાતા ૧૮૦ કિમીની ગતિના તેજ પવનનો સામનો કરી શકે તે માટે આ રોપ-વેને અત્યાધુનિક એરોડાયનેમિક ડિઝાઇન સાથે તૈયાર કરવામાં આવ્યો છે.
હેલિકોપ્ટર મારફતે બનાવવામાં આવેલો આ દેશનો પ્રથમ પ્રોજેક્ટ આજે લાખો લોકોની આસ્થા અને સુવિધાનું કેન્દ્ર બન્યો છે. જા તમે પણ આ શિવરાત્રીએ ગિરનાર જવાનું વિચારી રહ્યા હોવ, તો રોપ-વેની આ સસ્તી સફરનો લાભ લેવાનું ચૂકશો નહીં.








































