પ્રજાસત્તાક પર્વના પાવન અવસરે રાજુલા શહેરના પ્રવેશદ્વાર સમાન હિંડોરણા ચોકડી ખાતે નવી પોલીસ ચોકીનું અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના હસ્તે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નેશનલ હાઈવે પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. અગાઉ હિંડોરણા ચોકડી ખાતે પોલીસ ચોકી કાર્યરત હતી, પરંતુ નેશનલ હાઈવેના કામકાજ દરમિયાન તેને તોડી પાડવામાં આવી હતી. રાજુલાના વેપારીઓ અને અગ્રણીઓએ પોલીસ સ્ટેશનની બેઠક દરમિયાન એસપી સંજય ખરાતને રજૂઆત કરી હતી કે હાઈવે પર ટ્રાફિક અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અહીં ફરીથી પોલીસ ચોકી બનાવવી અનિવાર્ય છે. લોકભાવનાને માન આપી એસપીએ લોકસહયોગથી આ ચોકી બનાવવાની ખાતરી આપી હતી, જેનું આજે અમલીકરણ થયું છે.






































