અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પડઘમ પૂરજોશથી વાગી રહ્યા છે અને જુદા જુદા પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર પણ થઈ રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ કોંગ્રેસ દ્વારા મહિલા અનામત બીલનો વિરોધ કરાતા આકરી પ્રતિક્રિયાઓ આપી છે. અમરેલી શહેર ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યલય હિરામોતી પટેલ વાડી ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરી કોંગ્રેસને આડે હાથ લીધી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, કોંગ્રેસે હંમેશા મતની રાજનીતી કરી છે. અને જયારે મહિલાના હિતની વાત આવી છે ત્યારે તેને અવગણીને ગંભીર કૃત્ય કર્યુ છે. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે આ દેશની જનતા કયારેય પણ કોંગ્રેસના આવા કૃત્યને માફ નહી કરે તથા આગામી ચૂંટણીમાં મતદારો કોંગ્રસને સંપૂર્ણ જાકારો આપી ફરી વખત ભારતીય જનતા પાર્ટીને સ્થાનિક સ્વરાજય સુકાન શોપશે. આ ઉપરાંત તેમણે અમરેલી નગરપાલિકાનો ચૂંટણી ઢંઢેરો પણ જાહેર કર્યો હતો.









































