અમરેલી તાલુકાના ફતેપુર ગામ, જે પૂજ્ય સંત શિરોમણી ભોજલરામ બાપાની પાવન ધરતી છે, ત્યાં બાપાનું ૨૦ કરોડના ખર્ચે અત્યંત ભવ્ય અને સુંદર નવનિર્મિત મંદિર નિર્માણ પામ્યું છે. આ મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી ફેબ્રુઆરી મહિનાની ૪, ૫ અને ૬ તારીખે ભવ્ય રીતે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ત્રણ દિવસ અલગ અલગ કાર્યક્રમો સાથે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. અમરેલી તાલુકાના ફતેપુર ગામે આગામી ૪, ૫ અને ૬ ફેબ્રુઆરીએ સંત શિરોમણી ભોજલરામ બાપાના ભવ્ય મંદિરની પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ દરમિયાન સમગ્ર ગુજરાતનો લોહાણા સમાજ એકત્રિત થઈને ૧૦ ફૂટનો વિશાળ રોટલો તૈયાર કરી પૂજ્ય ભોજલરામ બાપાને અર્પણ કરશે, જે એક નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપશે. આ મંગલ પ્રસંગે આંતરરાષ્ટ્રીય કથાકાર મોરારીબાપુ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અનેક નામી-અનામી સાધુ-સંતો અને રાજકીય આગેવાનો, નેતાઓ ઉપસ્થિત રહેશે. તેમજ ભારતભરના સેવકો ઉપરાંત લંડન, યુકે અને કેનેડાથી પણ મોટી સંખ્યામાં ભક્તજનો હવનમાં જોડાવા અને દર્શનનો લાભ લેવા પધારશે. જેમાં પ્રથમ દિવસે મૂર્તિઓની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે અને હવનના સ્થળ પર શાસ્ત્રોક્ત વિધિ શરૂ થશે. બીજા દિવસે વિશાળ ધર્મસભાનું આયોજન છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સંતો હાજરી આપશે. ત્રીજો દિવસ મહોત્સવના અંતિમ દિવસે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે. મહોત્સવના ત્રણેય દિવસ દરમિયાન સવારનો નાસ્તો, બપોરનું અને રાત્રિનું ભોજન વીરપુર જલારામ બાપાની જગ્યા તરફથી રાખવામાં આવ્યું છે. આયોજકો દ્વારા પાર્કિંગ, વિશાળ મંડપ, વીઆઈપી અને જનરલ રસોડાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે જેથી આવનાર કોઈપણ ભક્તને અગવડ ન પડે. આ ભવ્ય મહોત્સવનો લાભ લેવા માટે ભોજલધામના મહંત અને આયોજકો દ્વારા તમામ શ્રદ્ધાળુઓને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. માયાભાઈ આહિર, હિતેશ અંટાળા અને ફરીદા મીર જેવા લોકગાયકોના ડાયરાની રમઝટ બોલશે.









































