અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના નવાણીયા ગામે ઓનલાઇન રોકાણના નામે મોટી છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક વેપારીને ક્રિપ્ટોકરન્સી USDTમાં રોકાણ કરી ઊંચા વળતરની લાલચ આપી ટોળકીએ અંદાજે રૂ.૯૨.૭૫ લાખ ખંખેરી લીધા હતા. આ અંગે નવાણીયા ગામના વેપારી મહેશભાઇ જેઠાભાઇ ભાયાણી (ઉ.વ.૫૨ )એ નેહા શર્મા રહે.લખનઉ, જાનકીપુરમ (ઉત્તરપ્રદેશ), વેબસાઇટ/પ્લેટફોર્મ બનાવનાર/ચલાવનાર તથા રોકાણના રૂપિયા જમા કરાવેલ તે બેંક ખાતા ધારકો સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, આરોપીઓએ એકસંપ થઈ ગુનાહિત કાવતરું રચ્યું હતું. તેમણે ફરિયાદી વેપારીનો સંપર્ક કરી એક ચોક્કસ વેબસાઇટ/પ્લેટફોર્મ પર USDT (ક્રિપ્ટોકરન્સી) માં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આરોપીઓએ વિશ્વાસ અપાવ્યો હતો કે આ રોકાણથી ખૂબ જ ટૂંકા સમયમાં મોટું પ્રોફિટ મળશે. શાતિર ઠગબાજોએ ફરિયાદીને લાલચમાં રાખી અલગ-અલગ તારીખે જુદા-જુદા બેંક ખાતાઓ અને UPI આઈડીમાં નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતાઃ તા. ૧૧/૧૦/૨૦૨૫ થી તા. ૦૩/૦૧/૨૦૨૬ સુધીમાં તેમણે કુલ રૂ.૯૨,૭૫,૫૧૪ જમા કરાવ્યા હતા. જ્યારે વેપારીએ પોતાના પ્રોફિટ અથવા મૂળ રકમની માંગણી કરી, ત્યારે આરોપીઓએ કોઈ વળતર આપ્યું નહોતું અને છેવટે હાથ ઊંચા કરી દીધા હતા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા વેપારીએ આખરે પોલીસનો સંપર્ક સાધ્યો હતો.ઉલ્લેખનીય છે કે જિલ્લામાં સાયબર ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહી છે, જેથી લોકોએ અજાણ્યા પ્લેટફોર્મ કે વેબસાઇટ પર ‘વધારે પ્રોફિટ’ની લાલચમાં આવીને નાણાંનું રોકાણ કરતા પહેલા તેની સત્યતા તપાસવી ખૂબ જરૂરી છે. અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એલ. ખટાણા વધુ તપાસ કરી રહ્યા છે.








































