ધોરાજીમાં સોશિયલ મીડિયાના માધ્યમથી મોંઘી ઘડિયાળો વેચવાના નામે ચાલતા સાયબર કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઇન્સ્ટાગ્રામ પર લક્ઝરી ઘડિયાળોના વીડિયો અને ફોટા મૂકી ગ્રાહકો પાસેથી એડવાન્સ પેમેન્ટ મેળવી છેતરપિંડી કરવા બદલ ધોરાજી પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે ધોરાજી સુધરાઈ કોલોનીમાં રહેતાં સિકંદર સલીમ શેખ, સુફીયાન સલીમ શેખ તેમજ દાણાવાલા ચોકના ઉસ્માન સલીમ કાંગડા અને અહેમદ સલીમ કાંગડા વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. ગરચરના જણાવ્યા મુજબ, મુખ્ય સૂત્રધાર ઉસ્માન સલીમ કાંગડા છેલ્લા દોઢ વર્ષથી ઇન્સ્ટાગ્રામ પર ‘II_chrono247_II’ નામનું એકાઉન્ટ ચલાવતો હતો, જેમાં ૧૭,૧૦૦ થી વધુ ફોલોઅર્સ હતા. ગ્રાહકો વોટ્‌સએપ બિઝનેસ નંબર પર સંપર્ક કરે ત્યારે એડવાન્સ પેમેન્ટ માંગવામાં આવતું. ગ્રાહકનો વિશ્વાસ જીતવા આ ટોળકી ‘SELLOSHIP’ નામની એપ્લિકેશન દ્વારા નકલી કુરિયર ટ્રેકિંગ આઈડી જનરેટ કરી મોકલતી હતી, જેથી ગ્રાહક પૂરા નાણાં ચૂકવી દે. પૈસા મળ્યા બાદ ગ્રાહકને બ્લોક કરી દેવામાં આવતા હતા. આ કૌભાંડમાં ઉસ્માન તેના ભાઈઓ અને મિત્રોના બેંક ખાતાઓનો ઉપયોગ કરતો હતો. જેમાં ખાતાધારકને ૨૦ ટકા કમિશન મળતું અને બાકીના ૮૦ ટકા નાણાં ઉસ્માન રોકડા મેળવતો હતો. પોલીસ તપાસમાં સિકંદરના ખાતામાં વલસાડના ઉમરગામ અને સુફિયાનના ખાતામાં પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુર સાયબર ક્રાઈમની ફરિયાદના નાણાં જમા થયાનું ખુલ્યું છે.