હવામાન ખાતાની આગાહી મુજબ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અઠવાડિયા દરમ્યાન વાદળછાયું વાતાવરણ રહેવાની તેમજ ક્યાંક કમોસમી વરસાદની શક્યતા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી બાગાયત ખાતા દ્વારા ખાસ કરીને આંબાના બગીચા ધરાવતા ખેડૂતોને આગોતરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. આંબાના મોર આવવાના તબક્કે વધુ ભેજ અને વરસાદ થવાથી ફળ બંધારણમાં ઘટાડો થવાની સાથે મિલ્ડ્યુ (ભૂકી છારો) સહિત ફૂગજન્ય રોગોનો પ્રકોપ વધવાની સંભાવના છે. પરિણામે કેરી ઉત્પાદન પર નકારાત્મક અસર પડી શકે છે. ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે વરસાદ શરૂ થાય તે પહેલાં અથવા વરસાદ બંધ થયા બાદ ૨૪ કલાકની અંદર કાર્બેન્ડેઝિમ (૧ ગ્રામ/લિટર) અથવા હેક્સાકોનાઝોલ (૧ ગ્રામ/લિટર) અથવા વેટેબલ સલ્ફર (૨ ગ્રામ/લિટર) પૈકી કોઈ એક ફૂગનાશક દવાનો છંટકાવ કરવો. દવા સાથે સ્ટિકર ભેળવવાથી અસરકારક પરિણામ મળે છે. સાથે જ ખેતરમાં પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવી તેમજ બોરોન (૦.૨%) અને ઝીંક (૦.૫%)ના ફોલિયર સ્પ્રે કરવાથી મોર અને ફૂલ ઝરતા અટકાવવામાં મદદ મળે છે.






































