ભાવનગર–સોમનાથ નેશનલ હાઇવે પર રાત્રે અકસ્માત બન્યો હતો. મળતી માહિતી મુજબ જાફરાબાદ તાલુકાના કાગવદર–ભટ્ટવદર ગામ નજીક ટેમ્પો ટ્રાવેલ્સ અને ફોર વ્હીલર કાર વચ્ચે અથડામણ થઈ હતી. અકસ્માતમાં કુલ આઠ લોકો ઇજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે રાજુલાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત અંગે જાણવા મળ્યું છે કે બંને વાહનો ઉના તરફ જઈ રહ્યા હતા ત્યારે હાઇવે પર અચાનક ડાયવર્ઝન હોવાના કારણે કાર ચાલકે બ્રેક મારી ગાડી અટકાવી હતી. પાછળથી આવી રહેલ ટેમ્પોએ કારને જોરદાર ટકકર મારતા કાર પલ્ટી ખાઈ ગઈ હતી અને ટેમ્પો રોડની નીચે ઉતરી ગયો હતો. ટેમ્પોમાં ૧૬ મુસાફરો સવાર હતા અને સદનસીબે મોટી જાનહાની ટળી હતી. ઘટનાની જાણ થતાં નાગેશ્રી પોલીસે તપાસ હાથ ધરી છે.








































